Book Title: Vachanamrut 0255 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 255 સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી મુંબઈ, અષાડ સુદ 13, 1947 સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમ સ્નેહી છો (!) પરમાનંદજી. અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી, આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એPage Navigation
1