________________ 236 અહીં કુશળતા છે. તમારું કુશળપત્ર સંપ્રાપ્ત થયું મુંબઈ, ચૈત્ર સુદ 15, ગુરૂ, 1947 સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અહીં કુશળતા છે. તમારું કુશળપત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છો છો તે ઇચ્છામાં મારી સમતિ છે. ત્યાંથી વિદાય થવાનો દિવસ ચોકસ થયે અહીં દુકાન ઉપર ખબર લખશો. તમે અહીં આવો ત્યારે તમારો અમારા વિષે જે કંઈ પરમાર્થ પ્રેમ છે, તે જેમ બને તેમ ઓછો પ્રગટ થાય તેમ કરશો. તેમ જ નીચેની વાર્તા લક્ષમાં રાખશો તો શ્રેયસ્કર છે. 1. મારી વિદ્યમાનતાએ ભાઈ રેવાશંકર અથવા ખીમજીથી કોઈ જાતનો પરમાર્થ વિષય ચર્ચિત ન કરવો (વિદ્યમાનતાએ એટલે હું સમીપ બેઠો હોઉં ત્યારે). 2. મારી અવિદ્યમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને તો જરૂર ચર્ચિત કરવો. કોઈ વખતે રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી. 3. પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે. 1. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું ? 2. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું ? તે કારણ કેમ ટળે ? 4. તે માટે સુગમમાં સુગમ એટલે થોડા કાળમાં ફળદાયક થાય એવો કયો ઉપાય છે? 5. એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય ? આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે ધારો છો ? અને ધારો છો તો કેવાં કારણોથી ? એવા પુરુષનાં કંઈ લક્ષણ હોય કે કેમ ? હાલ એવો પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે ? 6. જો અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તો પૂછવું કે “મોક્ષમાર્ગની એમને પ્રાપ્તિ છે, એવી નિઃશંકતા તમને છે ? અને હોય તો શું કારણોને લઈને ? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તો પૂછવું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવતો ? એમને સર્વ પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ ? કોઈ જાતના સિદ્ધિજોગ હશે કે કેમ ? 7. સત્પરુષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ ? એમ બને તો તેનું કારણ શું ? જો જીવની ‘અયોગ્યતા’ જણાવવામાં આવે તો તે અયોગ્યતા કયા વિષયની ?