________________ 218 સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. મુંબઈ, ફાગણ સુદ 13, સોમ, 1947 સર્વાત્મા હરિને નમસ્કાર ‘સત’ સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપયોગ છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક “સ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે, અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ ‘સ’ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ‘ભ્રાંતિનું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઈ ‘સત’ પામી ‘સ’રૂપ હોય છે. જૈનની બાહ્યશેલી જોતાં તો અમે તીર્થકરને સંપૂર્ણજ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતર્શેલી બીજી જોઈએ. કારણ કે “અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તો એમ લાગે છે કે તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબ ચઢેલું વહાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, ‘અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચઢ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે.