________________ 217 પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. મુંબઈ, માહ સુદ, 1947 પરમ પૂજ્ય, આપને સહજ વાંચનના ઉપયોગાથે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે બીડું છું. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભકિતની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’ ‘વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભતિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણે પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી; રહ્યું જતું નથી; અને આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદયકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. ‘સ-સત’ એનું રટણ છે. અને સતનું સાધન ‘તમે' તે ત્યાં છો. અધિક શું કહીએ ? ઈશ્વરની ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયુષ અને પ્રેમભક્તિમય જ રહીએ ! પણ પ્રારબ્ધકર્મ બળવત્તર છે !