________________ કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આપ્યો, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં ? ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી ન મુકાય. આમાં પણ ઘણા ભેદ છે; પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તો એ જૈનના શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો; ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે, પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં. છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે ? વિ. રાયચંદ