________________ ઇચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. આટલાં કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુણઠાણાં ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી. વ્યવહાર સાચવવા થોડાંએક પુસ્તકોનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઇચ્છા લાગે છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે ..... આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો. ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાયું છે. દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું, પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતિ. વિ. આ0 રાયચંદ