________________ 170 આત્મા જ્ઞાન પામ્યો, ગ્રંથિભેદ થયો - છેવટની નિર્વિકલ્પ સમાધિ સુલભ - ગુપ્તતા, અજ્ઞાનવાસ - વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસ - પરમાર્થની વર્ષાઋતુ - તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા - અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર - ઉપશમ ક્ષપક શ્રેણી અને પ્રત્યક્ષ દર્શન - પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં - આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નહીં મુંબઈ, કારતક સુદ 14, 1947 પરમ પૂજ્યશ્રી,1 આજે આપનું પત્ર 1 ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં, ‘તુંહિ તંહિ વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો - પરમાર્થ પ્રકાશવો - ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યારપછી ત્યાગ કરાવવો જોઈએ. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાયો છે, શું કરીને માર્ગ પ્રકારયો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે; અથવા ઘણા પરિચયમાં આવેલા યોગપુરુષની 1 શ્રી સોભાગભાઈ ઉપર આ પત્ર છે.