________________ 139 આઠ રુચકપ્રદેશ નિબંધન- શાસ્ત્રકારની શૈલી, વિચિત્ર વાતનું મહત્ત્વઅંતર્મુહૂર્ત- સમુદ્યાત વર્ણનનો હેતુ- “ચૌદપૂર્વધારી નિગોદમાં, અને જઘન્યજ્ઞાની મોક્ષે એનું સમાધાન- લવણસમુદ્ર અને મીઠા પાણીની વીરડી- કેવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ?- આ દેહધારીની પૂર્ણ કસોટી કરજો- પૂર્વાપર નિઃશંક શ્રદ્ધામાં પણ કલ્યાણ મોરબી, બી. ભા. વદ 7, રવિ, 1946 મુમુક્ષુ ભાઈઓ, ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતિ લખું આઠ રુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો, અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. અંતર્મુહર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે, તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચકપ્રદેશ મૂકી સમુદઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત સમાગમે ચર્ચો તો ઠીક પડશે.