________________ 89 સમુચ્ચયવયચર્યા મુંબઈ, કારતક સુદ 15, 1946 સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ 15, રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંતદુઃખનું મૂળ, એ બધાંનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહત વિચારો કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીરભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું તો પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે; તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઇચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુચ્ચયવયચર્યા સંભારી જઉં છું:સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના - કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર - મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવાબેસવાની, બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિનો હેતુ નહોતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ - સરળ વાત્સલ્યતા - મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો;