________________ ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. જે પવન(શ્વાસ)નો જય કરે છે, તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સપુરુષની આજ્ઞાથી પરાડમુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છેઃ સદગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે : પર્યાપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે : પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે ‘પ્રવીણસાગર' રવાને કરું છું. ‘પ્રવીણસાગર' સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે.