________________ મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે; એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સતસુખનો વિચાર નથી. કોઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી; અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થલ સર્વ જાણી અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તો તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે ? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દ્રષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું.