Book Title: Vachanamrut 0017 073 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 73. મોક્ષસુખ કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેજવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે ? ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ ! એ અનંતસુખ ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરો, મનોહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌતિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યાં એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પોતાનાં કુટુંબીને મળ્યો. તે બધાંએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો ? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ - પણ તે કેવી ? તે તો અમને કહે. ભીલ- શું કહ્યું, અહીં એવી એકે વસ્તુ જ નથી. કુટુંબીઓ - એમ હોય કે ? આ શંખલાં, છીપ, કોડાં કેવાં મજાનાં પડ્યાં છે. ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી ? ભીલ - નહીં, નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી, એના સોમા ભાગની કે હજારમા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ - ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે; આથી તે પછી સારું શું હશે ? હે ગૌતમ ! જેમ એ ભીલ રાજવૈભવસુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી.Page Navigation
1