________________ શિક્ષાપાઠ 63. સુખ વિષે વિચાર - ભાગ 3 જે સ્થિતિ હમણાં મારી આપ જુઓ છો તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી. જે વખતની હું વાત કરું છું, તે વખતને લગભગ વીસ વર્ષ થયાં. વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળો પડવાથી ઘટવા મંડ્યું. કોટ્યાવધિ કહેવાતો હું ઉપરાચાપરી ખોટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનો માત્ર ત્રણ વર્ષમાં થઈ પડ્યો. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટોને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી, પરંતુ તે આભ ફાટ્યાનું થીગડું હતું. અન્ન અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મારા કુટુંબીઓ મને રોકી રાખવા મંડ્યાં કે તે ગામનો દરવાજો પણ દીઠો નથી, માટે તને જવા દઈ શકાય નહીં. તારું કોમળ શરીર કંઈ પણ કરી શકે નહીં, અને તું ત્યાં જા અને સુખી થા તો પછી આવ પણ નહીં, માટે એ વિચાર તારે માંડી વાળવો. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ, એમ વચન દઈ જાવાબંદર હું પર્યટને નીકળી પડ્યો. પ્રારબ્ધ પાછાં વળવાની તૈયારી થઈ. દૈવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી. એક કે બે મહિના ઉદર પોષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગયો. ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યાં. જે વહાણમાં હું બેઠો હતો તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પોતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બોલાવી અમુક કામમાં ગોઠવ્યો, જેમાં હું મારા પોષણથી ચોગણું પેદા કરતો હતો. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો અને તેમાં ફાવ્યો. બે વર્ષમાં પાંચ લાખ જેટલી કમાઈ થઈ. પછી શેઠ પાસેથી રાજીખુશીથી આજ્ઞા લઈ મેં કેટલોક માલ ખરીદી દ્વારિકા ભણી આવવાનું કર્યું. થોડે કાળે ત્યાં આવી પહોંચ્યો ત્યારે બહુ લોક સન્માન આપવા મને સામા આવ્યા હતા. હું મારાં કુટુંબીઓને આનંદભાવથી જઈ મળ્યો. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. જાવેથી લીધેલા માલે મને એકના પાંચ કરાવ્યા. પંડિતજી ! ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવાં પડ્યાં હતાં; પૂરું ખાવા પણ હું પામ્યો નહોતો, પરંતુ એક વાર લક્ષ્મી સાધ્ય કરવાનો જે પ્રતિજ્ઞાભાવ કર્યો હતો તે પ્રારબ્ધયોગથી પળ્યો. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી ? સ્ત્રી, પુત્ર એ તો જાણે નહોતાં જ; માબાપ આગળથી પરલોક પામ્યાં હતાં. કુટુંબીઓનાં વિયોગવડે અને વિના દમડીએ જાતે જે વખતે હું ગયો તે વખતની સ્થિતિ અજ્ઞાનદ્રષ્ટિથી આંખમાં આંસુ આણી દે તેવી છે; આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસનો અમુક ભાગ તેમાં રોકતો હતો, તે લક્ષ્મી કે એવી લાલચે નહીં, પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને, મોતનો ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી; મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણી મેં મારું લક્ષ દોરેલું હતું.