________________ શિક્ષાપાઠ 35. નવકાર મંત્ર નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો ઉવન્ઝાયાણં. નમો લોએ સવ્વસાહૂણં. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ઠીમંત્ર કહે છે. અહંત ભગવંતના બાર ગણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ. ગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા. અંગુઠા વિના બાકીની ચાર આંગળીઓનાં બાર ટેરવાં થાય છે, અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હોવાથી બારને નવે ગુણતાં 108 થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાંથી નવકારમંત્ર નવ વાર ગણ. -“કાર' એટલે ‘કરનાર’ એમ પણ થાય છે. બારને નવે ગણતાં જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકારમંત્ર તરીકે એનો અર્થ થઈ શકે છે, અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમોત્કૃષ્ટ છે તે કઈ કઈ? તો કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાનો જે મંત્ર તે પરમેષ્ઠીમંત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ઠીમંત્ર એવો શબ્દ થયો. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચે પાત્રો આદ્યરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ ઠરે છે. પ્ર0- એ પંચપરમેષ્ઠીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સપુરુષો કહે છે એ માટે તમારું શું મત છે ? ઉ0- એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્ર0-એને ક્યા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય ? ઉ0-હા. એ તમને હું સમજાવુંમનની નિગ્રહતા અર્થે એક તો સર્વોત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે ? એમ વિચારતાં એઓનાં સ્વરૂપ, ગુણ ઇત્યાદિ માટે વિચાર કરવાની સત્પરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલો કલ્યાણકારક થાય ?