________________ શિક્ષાપાઠ 6. અનાથી મુનિ-ભાગ 2 શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બોલ્યોઃ તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? જો કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !" અનાથીએ કહ્યું, “અરે શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ! નિર્ધન તે ધનાઢય ક્યાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છે; ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?" મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું યતિ મુખથી શ્રવણ થયું એથી તે શંકિત થયો અને બોલ્યોઃ “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ હું પામ્યો છું; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું મહાન છતાં અનાથ કેમ હોઉં? રખે હે ભગવાન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “રાજા ! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજ્યો નથી. હવે હું જેમ અનાથ થયો; અને જેમ મેં સંસાર ત્યાગ્યો તેમ તને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. હે મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી ઘેરાઈ; આખે શરીરે અગ્નિ બળવા મંડ્યો; શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શોકમાં હતો. સંખ્યાબંધ વૈદ્યશાસ્ત્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક ઔષધ ઉપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણાતા વૈદ્યરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખારૂં થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુ:ખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંસુ ભરી મારું હૈયુ પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી પદાર્થ તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અળગી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના