________________ જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દ્રષ્ટિથી નહી જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે ! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે, હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે.