________________ ઉપોદ્ઘાત નિર્ગથ પ્રવચનને અનુકૂલ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંગું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરૂત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલનો ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકોનાં ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કોમલ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે. આ પ્રથમ દર્શન અને બીજાં અન્ય દર્શનોમાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત્ તત્વસંચય કરી તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે - “વિદગ્ધમુખમંડન ભવતુ.” (સંવત 1943) -કર્તાપુરુષ શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તો પાંચ સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય કોમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈનતત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં યોજી છે. તે યોજના ‘બાલાવબોધ' રૂપ છે. 'વિવેચન' અને પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે; આ એમાંનો એક કકડો છે; છતાં સામાન્ય તત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવ તત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે; તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું.