________________ 12 શ્રી પરમાત્મને નમઃ ૐ નમઃ સચ્ચિદાનંદાય સજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે. સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભોમિયારૂપ છે. સજ્જનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. (બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે.) એ સજ્જનતાને આપ સન્માન આપો છો. એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. પ્યારા ભાઈ ! તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. તોપણ જે સ્વાભાવિક રીતે લખવું સૂઝયું તે અહીંયાં પ્રદર્શિત કરું છું. વૃંદશતસૈમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે “કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી.” તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઈ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વરકૃપાથી અતિ યત્ન પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે.