________________ થયા? આ બધા વિષયો પણ નાશ પામી જશે, અને ઇંદ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો ? વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છો ? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ, જીવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલોક નાશ થઈ ગયું છે. જે વિષયોના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇંદ્રિયશકિત ગયા પછી પાછાં નહીં આવે. જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. સ્વપ્નના સંયોગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છોડી, ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરો છો ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારનાં ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો; શય્યા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ, અભક્ષ, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ, આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો, એ સમસ્ત નથી ગણતા. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહનો ઉપકાર કૃતઘ્નના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ રોગ, ક્લેશ, દુર્ગાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇંદ્રિયોનો રાગ છોડી, એને વશ કરો.