________________ 94. ‘હું ક્યાંથી આવ્યો ?', ‘હું ક્યાં જઈશ ?' “શું મને બંધન છે ?' ‘શું કરવાથી બંધન જાય ?' ‘કેમ છૂટવું થાય ?' આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. 95. સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. 96. ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. 97. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગુણસ્થ થવું. 98. બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે. 99. સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. 100. મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. 101. મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. 102. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. 103. પરભાવથી વિરક્ત થા. 104. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. 105. સમ, દમ, ખમ એ અનુભવો. 106. સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો (દો). 107. રહેણી ઉપર ધ્યાન દેવું. 108. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. 109. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. 110. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. 111. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. 112. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. 113. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. 114. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.)