________________ 1 પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. 1 (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે, તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. 2 પ્રભુ પ્રાર્થના - જળહળ જ્યોતિ (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. 3 નિત્ય નિરંજન નિત્ય છો, રંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. 4 ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિપ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. 5 ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. 6 અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. 7 આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. 8 નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. 9 સચરાચર સ્વયંભુ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. 10 સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. 11