________________
શ્રી કુંભસ્થાપના
શ્રી કુંભ એ પૂર્ણત્વનું પ્રતિક છે. શૂન્યમાંથી પૂર્ણ બનવાની વિકાસયાત્રાનું પ્રતિક છે. કુંભ મંગલ ચિહ્નોમાં એનો સમાવેશ જ એની મહત્તા દર્શાવે છે. કુંભમાં રહેલા પારદર્શી જળ આત્માના અનંત ગુણોને પ્રગટાવવાની પ્રેરણા આપે છે. કુંભમાં જેમ જળ સ્થિર થાય તેમ આપણને સ્વભાવમાં સ્થિર થવાનું છે.
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ માંગલિક પ્રસંગે, નવુ ઘર લેત, નવી દુકાન કે ફેકટરી શરૂ કરતાં પહેલા કુંભ સ્થાપન કરવામાં આવે છે. શ્રી કુંભ એ માંગલિક અને શ્રેષ્ઠ શુકન માનવામાં આવે છે. શ્રી કુંભસ્થાપના કરનાર પરિવાર હંમેશા ભરેલા રહે છે. નવકાર, ઉપસગ્ગહર અને મોટી શાંતિ બોલવા દ્વારા અખંડ ધારાએ આ કુંભ ભરવાનો હોય છે. વિશ્વના સર્વ જીવોની સુખશાંતિની મંગલ ભાવના ભાવવામાં આવે છે. બંને ટાઈમ નવસ્મરણ ગણવામાં આવે છે.
આમ, આપણી મહોત્સવ નિવિદને પરિપૂર્ણ થાય તેનું આ પ્રથમ સોપાન છે. આ ખૂબ માંગલિક વિધાન છે અને બાહયશાંતિનું પ્રતિક છે.
============================================
શ્રી અખંડ દિપક સ્થાપના
અંધકારનો નાશ કરી પ્રમોદદાયી પ્રકાશ પાથરે છે. દીપક, દીપક એ જ્ઞાનનું પ્રતીક છે. અનાદિકાળના અજ્ઞાનતાના અંધકારને હરી આત્માને કેવળ જ્ઞાનથી ભરી દે એવો એની પાછળ આશય છે. દીપક પોતે મૂંગો છતાં ખૂબ પ્રેરણા આપ્યા કરે છે. પોતે બળી બીજાને ઉર્જા અને ઉષ્મા આપવાનું એનું વ્રત હોય છે. દીપક જયાં હોય ત્યાં પવિત્રતા વાસ કરે છે. દેવો સાન્નિધ્ય કરે એની સ્થિર શાંત જયોતિ આત્મધ્યાનની પરિચાયિકા બની રહે છે.
દીપક સ્થાપના એ આંતરશકિતનું પ્રતીક છે. આપણી અંદર રહેલી ચેતના જાગૃત થાય એ એનો ઉદ્દેશ છે.