________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
મધુસૂદન ઢાંકી સોલંકી સમ્રાટ જયસિહદેવ સિદ્ધરાજ તેમ જ કુમારપાલના સભાકવિ, પ્રાગ્વાટવંશીય કવિરાજ શ્રીપાલ, તેમના પુત્ર કવિ સિદ્ધપાલ, તથા પૌત્ર વિજયપાલ ધર્મ જૈન હતા તેવું ઉપલબ્ધ મધ્યકાલીન સાધનોથી ઇતિહાસવેત્તા મુનિ જિનવિજય એવં જૈન સાહિત્યવેત્તા મોહનલાલ દલીચંદ દેશાઈ, મુનિવર કલ્યાણવિજય, મુનિ ચતુરવિજય, દા. ભોગીલાલ સાંડેસરા, પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા", મુનિ ત્રિપુટી', તથા પંઅંબાલાલ પ્રેમચંદ શાહ ઈત્યાદિ સાંપ્રત કાળમાં થઈ ગયેલા જૈન વિદ્વાનોનું કથન છે. સોલંકીકાલીન જૈનો એવં જૈનદર્શન પરત્વે ખાસ સહાનુભૂતિ ન ધરાવતા હોવા છતાં દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પણ શ્રીપાલને “જૈન પોરવાડ વૈશ્ય” માનતા હતા. પ્રસ્તુત સર્વ વિદ્વાનોની માન્યતાથી ભિન્ન મત તાજેતરમાં શ્રીમદ્ શાંતિકુમાર પંડ્યાએ પ્રકટ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે લભ્યમાન પ્રમાણોથી શ્રીપાલ અને તેમના વંશજ “જૈન નહીં પણ હિન્દુધર્મી હોવાની સ્પષ્ટ છાપ પડે છે”૧૦. સામ્પ્રત લેખમાં આથી આ બન્ને મતોની સમીક્ષા કરી તથ્ય શું હોઈ શકે તે અંગે વિચારી જોવા યત્ન કરીશું.
શ્રીપાલ અને તેના વંશજ જૈન હોવાના પક્ષમાં જે મત છે તે તો અસ્તિત્વમાન સમકાલિક તથા ઉત્તરકાલિક પ્રમાણોનો પ્રથમ દૃષ્ટિએ જે સીધો અર્થ થઈ શકે છે તેના આધારે, વિશેષ વિચારણા કર્યા સિવાયનો છે; પ્રસ્તુત વિદ્વાનોના મનમાં એ વિષય સમ્બદ્ધ સ્વાભાવિક જ કોઈ શંકા ઊઠી જ નથી; એટલે તેમણે તે સંબંધમાં કોઈ સાધક-બાધક પ્રમાણોના આધારે ચર્ચા કરી નથી. આથી અહીં સૌ પ્રથમ એ વિષય પર જે ઐતિહાસિક નોંધો એવં પ્રમાણાદિ ઉપલબ્ધ છે તે પેશ કરી, તે પછી તેનું જે પ્રકારે અર્થઘટન શ્રીપંડ્યાને અભિમત છે તે બાબત પર એમના મંતવ્યો ઉદ્ધત કરી, વિસ્તારથી નિરીક્ષણ-પરીક્ષણ કરવાનો જ માર્ગ ગ્રહણ કરવો જોઈશે.
શ્રીપાલ-સિદ્ધપાલ-વિજયપાલ અંગે ઉપલબ્ધ થતાં જે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રમાણો છે તે તેમની પોતાની કૃતિઓનાં છે, અને કોઈક કોઈક સમકાલિક અન્ય લેખકોનાં સાઠ્યો પણ મોજૂદ છે, જે આ પ્રમાણે છે:
(૧) જયસિંહ સિદ્ધરાજે માળવામાં રતલામ-કોટા પંથકમાં (પુરાણા ઉપલા માળવામાં આવેલા બિલ્પાંકના શિવાલયના સં૧૧૯૮ ઈ. સ. ૧૧૪૨માં કરાવેલા ઉદ્ધારની શ્રીપાલ કવિ વિરચિત પ્રશસ્તિ",
(૨) કુમારપાળે બંધાવેલા આનંદપુર (વડનગર)ના પ્રકારની કવિ શ્રીપાલે રચેલી સં. ૧૨૦૮ ઈ. સ. ૧૧૫૨ની પ્રશસ્તિ;
(૩) બ્રહગચ્છીય અજિતદેવસૂરિશિષ્ય હેમચન્દ્રના નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યા સંબંધનો મુલકર્તાનો ઋણ સ્વીકાર. એની મિતિ પ્રાપ્ત નથી પણ રચના સંભવતયા કુમારપાળયુગના પૂર્વાર્ધમાં થઈ હોવી ઘટે.
(૪) શ્રીપાલ-કારિત ચતુર્વિશતિજિન સ્તવન
કવિરાજ શ્રીપાલની આ સિવાયની અનુપલબ્ધ કૃતિઓમાં સિદ્ધરાજ દ્વારા નિર્માપિત સહસ્ત્રલિંગ-તટાક (પુરાણું અભિધાન દુર્લભરાજસર; નવનિર્માણ પ્રાય: ઈસ્વી ૧૧૩૭)ની, તથા સિદ્ધપુર ખાતેના રુદ્રમહાલય (પ્રાય: ઈસ્વી ૧૧૩૮-૧૧૪૪ના ગાળામાં ક્યારેક)ની પ્રશસ્તિઓ, અને તેમણે વૈરોચનપરાજય નામક સાહિત્યિક કૃતિ (નાટક ? કાવ્ય ?) રચેલી તેવા ૧૩મા-૧૪મા શતકના ચરિતાત્મક-પ્રબન્ધાત્મક ઉલ્લેખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org