________________
ચાલુ કર્યાં. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તો દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઈ ગઈ. એક નવા સાધુનો ઉમેરો થયો. સગાંસંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે સંઘના આગેવાનોની બેઠક મળી. કેટલાક આગેવાનોએ એવો સૂર વ્યકત કર્યો કે ગુરુ મહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઈએ.
મૂળચંદજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યું, જુઓ ભાઈઓ! જૈનશાસનને જીવંત રાખવું હોય તો સાધુઓ જોઈશે. દીક્ષાનો પ્રસંગ એવો છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરનો કોઈ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીઓ છાજિયાં લેતી હોય અને હું દીક્ષા આપતો હોઉં તો મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલો જવાબ એ આપો કે જૈન શાસનને જીવંત રાખવું છે કે નહિ ? બધાએ હા કહી એટલે મૂળચંદજી મહારાજે કહ્યું કે તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના જેટલા આગેવાનો છે તેઓ દરેક પોતાના કુટુંબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફોડી ન થાય. પરંતુ સંઘનો કયો આગેવાન પોતાના સંતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ચૂપ થઈ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેઓને બધાને વર્તમાન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સંજોગોમાં સગાંસંબંધીઓનો વિરોધ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી.
એ જમાનામાં સાધુઓ ઓછા હતા, એટલે ઘણાં નગરોને સાધુઓનો લાભ મળતો નહિ. એમાં મહેસાણામાં એક-બે તપસ્વીઓ આવેલા અને તેઓ રોટલા-રોટલીનો સુક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે સાધુ મહારાજ ગોચરી માટે આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઇએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય નહિ.
આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. પંજાબી સાધુઓને તો મહેસાણામાં ઉણોદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્ય દૃષ્ટિ રાખવી ઘટે અને મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવું જોઈએ એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણા ચાતુર્માસ માટે મોકલ્યા, કારણ કે દેવવિજયજીને આજીવન આયંબિલનું વ્રત હતું, એટલે તેઓ જ ત્યાં ટકી શકે. દેવવિજયજીએ મહેસાણા જઈ લુખ્ખો, નીરસ થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે વ્યાખ્યાનમાં ભગવતીસૂત્ર નો વિષય લીધો અને સુપાત્ર દાન, ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહાર-પાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત દષ્ટિએ લોકોને સમજણ આપી. આથી મહેસાણાના સંઘને દાનઘર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રોટલા-રોટલીનો માત્ર લુખ્ખો ટુકડો વહોરાવવાની પ્રથામાં તેઓએ ફેરફાર કર્યો.
૨૮
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org