________________
શ્રી પાર્શ્વનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ, એમ. એ., પીએચ. ડી.
મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક કાયોત્સર્ગ મુદ્રાએ ખડી ધાતુપ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ આશરે નવ ઈચની છે. પ્રતિમાની નીચેનું મૂળ આસન મળ્યું નથી એટલે હાલ કાઇના આસન ઉપર સ્થિર કરેલ છે. ભગવાનનો જમણો હાથ, મસ્તક તથા પાછળના સર્ષની ત્રણ ફેણુ ખંડિત છે. મસ્તક પાછળ પાંચ ફણાવાળો નાગ છે જેનું બાકીનું શરીર વાંકુંચૂંકું ભગવાનના પાછળના (પીઠના) ભાગ ઉપર થઈ પગ સુધી પહોંચે છે. ચિત્ર ૧ માં પ્રતિમાજીનો ફોટો સન્મુખથી લેવામાં આવ્યો છે. જયારે ચિત્ર ૨ માં પીઠનો ભાગ બતાવ્યો છે. ચિત્ર ૩ માં ફક્ત કમ્મર સુધીનો શરીરનો ઉપરનો ભાગ વધારે મોટો કરી બતાવ્યો છે.
આ પ્રતિમા ક્યાંથી મળી તેની કોઈ માહિતી નથી. મ્યુઝિયમમાં આ પ્રતિમા કોઈકે વેચી હોય તે વેપારીએ મૂળ સ્થળ બતાવ્યું ના હોય, વેપારીને પણ ખબર ના હોય, અને ઘણાં વર્ષો ઉપર મ્યુઝિયમમાં આવેલી આ પ્રતિમાની માહિતી ઝીણવટથી મેળવી નોંધવાની રહી પણ ગઈ હોય. ગમે તેમ હોય. આજે આપણે પ્રતિમાના રૂપવિધાન ઉપરથી એટલું તો કહી શકીએ કે ઉત્તર ભારતના કોઈ સ્થળની આ પ્રતિમા છે, દક્ષિણની નહિ.
પ્રતિમા સાવ નગ્ન છે એટલા જ કારણે એ દિગમ્બર સમ્પ્રદાયની ગણી શકાય નહિ. કેમકે વાસ્તવિક રીતે એ પ્રતિમા એ સમયમાં ભરાઈ હતી જે સમયમાં વેતામ્બર-દિગમ્બર મતભેદનો ઉદભવ પણ થયો નહોતો. એ પ્રતિમા એટલી બધી પ્રાચીન છે કે ફક્ત નગ્નત્વના કારણે એની અગત્યતા તરફ આંખ આડા કાન કરનાર વેતામ્બર જૈન પોતાના ધર્મની પ્રાચીનતાને જ અન્યાય કરી બેસશે.
સારાયે ભારતવર્ષમાં મળેલી જૈન પ્રતિમાઓમાં સૌથી વધુ પ્રાચીન પ્રતિમા કહી શકાય એવી પ્રતિમા પટણા પાસે લોહાનિપુરમાં ખોદકામમાંથી મળી આવી છે. એ પ્રતિમા એક પ્રાચીન જૈન મન્દિરના પાયાના અવશેષોમાંથી મળી છે. અશોકના ધર્મચક્રયુક્ત સિંહધ્વજ(ભારતીય રાજમુદ્રા)પર જે જાતનો ચળકાટ-ઓપ-છે તે ચળકાટ મૌર્યકાલીન શિલ્પકલાની વિશિષ્ટતા હતી. આ જૈન પ્રતિમા પણ એવા જ ચળકાટ High polish વાળી છે. હાલ પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત આ પ્રતિમા જ્યાંથી મળી છે એ ભાગ પણ પ્રાચીન પાટલિપુત્ર નગરીની હદમાં જ ગણી શકાય એવો છે.
આ પ્રતિમા ચિત્ર નં. ૪ તરીકે રજૂ કરી છે. એમાં મસ્તક તથા ઘૂંટણ નીચેનો ભાગ નથી—એ તો ખંડિત થઈ ખોવાઈ ગયા, પણ ધડ અને પગ (torso and legs)ના જે ભાગ બચાવ્યા છે તે બતાવે છે કે એક તો આ પ્રતિમા કાયોત્સર્ગમુદ્રાએ અચેલ-અવસ્થામાં ઊભેલા કોઈ તીર્થંકરની છે. આપણે જાણીએ છીએ કે જિનક૯પી સાધુઓ પણ વસ્ત્ર ઈત્યાદિનો પરિગ્રહ રાખતા નથી અને તીર્થંકરો પણ પોતે નિર્વસ્ત્ર રહી ધ્યાન-સાધના કરે છે એ હકીકતનો ઈનકાર કોણ કરી શકે? ખાસ કરીને પહેલા અને છેલ્લા તીર્થકરનો ઉપદેશેલો ધર્મ પણું આચેલક્યનો હતો એ તો પ્રાચીન ગાથા પણ કહે છે. એવા સંજોગોમાં મૌર્યકાલીન આ તીર્થંકર પ્રતિમા નગ્ન અવસ્થામાં જ મળવી જોઈએ અને તેને જૈન સમ્પ્રદાયના બેઉ ફિરકાઓએ ભાવપૂર્વક અપનાવવી જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org