________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 471 વાત કરતો કવિ જીવન કરતાં મૃત્યુને વધુ સુંદર ગણે છે. મૃત્યુના નૃત્યની મોહિની જ એવી કે, બધુંજ નૃત્ય કરતું થઈ જાય. પુરાણોમાં પણ મૃત્યુના નૃત્યની વાત ઉલ્લેખાઈ છે. પણ આપણા કવિ તો “મૃત્યુની કથકલી'ની વાત કરે છે. એવું મૃત્યુ પોતે કદી બોલતું નથી. માત્ર એનો હાથ લંબાવી માનવનો હાથ માગે છે. ને માનવના મૃત્યુ સાથે હર્ષ, શોક, વેદના વેર બધું જ લુપ્ત થઈ જાય છે. જ્યાં આધ્યાત્મિક પ્રતિભાઓએ મૃત્યુ વિશે વિચાર્યું છે, ત્યાં મૃત્યુ ભવ્ય, દિવ્ય મંગલરૂપ ધરીને પ્રગટ થયું છે. એવા કવિઓએ મૃત્યુને પરમ મહોત્સવ માન્યું છે. આ મૃત્યુના રસાયણે માનવ મરમાંથી અમર બને છે. તો ક્યાંક કવિઓ મૃત્યુના રહસ્યને ઉકેલી ન શકાયાની નિખાલસતા પણ વ્યક્ત કરે છે. કદમે કદમે ઊભેલા મૃત્યુનો પાર નથી પામી શકાતો. કોને રડવું? મૃત્યુને? મૃત્યુ પામેલા માનવને? રુદન એને સ્પર્શવાનું નથી. કોણ મરે છે ? શરીર જ ને? તો પછી રડવાનું શાને? આત્માની અમરતા વિશે વાત કરવી કે સમજણ ધરાવવી એક વાત છે, ને સ્વજનમૃત્યુનો આઘાત જીરવવો એ જુદી વાત છે. ને છતા જનારને જવા દેવા પડે, જરાય ઢીલા નહિ થવાનું. પ્રાણપુષ્પની પાંખડી છાનામાના જ છેદાવા દેવાની, કાળજે કાપા પડે તોય ઝુરાપો વેઠી લેવાનો. આ મૃત્યુ ભયાનક છતાં સ્પૃહણીય ગણાયું છે. મૃત્યુને સ્પૃહણીય કહેનારા, “સોનું' કહેનારા સ્વજનમૃત્યુથી ખળભળી ઊઠે છે. કારણ પ્રિય સ્વજનને અગ્નિને હાથ સોંપવાનું કઠણ છે. પાષાણનાં ચક્ષુ ધરાવતો પેલો યમદૂત સદા સમીપ જ હોય છે. જનાર તો જાય પાછળ રહેનારની વેદના અકથ્ય હોય છે. પણ ધર્મ, ઉપાસના, આત્માના અમરત્વની શ્રદ્ધા ક્યારેક બળ આપે, તો ક્યારેક અશ્રુની નિરર્થકતા સમજાય. વિશ્વાત્માને પણ સ્વજનમૃત્યુનો આ શોક સ્પર્શતો નથી એ સમજાય છે. મૃત્યુને પનોતો અતિથિ પણ માનવામાં આવ્યો છે. એ જ છે શ્રેષ્ઠ વિશ્રામઘાટ. સ્વજનમૃત્યુના વિષાદે ગીતાજ્ઞાનને પણ ક્યારેક નિરર્થક સાબિત કર્યું છે. સ્વજનમૃત્યુ અનેક પ્રશ્નો ઊભા કરે છે. મરણ એટલે શું ? એનું સ્વરૂપ કેવું હોય ? એને “મૃત્યુ' ન હોય? મૃત્યુને જગતસૌંદર્ય હણવાનો શો અધિકાર? મૃત્યુની અનિવાર્યતા હોય તો, બધા જન્મે છે જ શા માટે? “શું મરણ એક અધ્યાસ જ કેવળ?' દેહ આત્માનો સંબંધ કોઈક કવિએ સરોવર ને કમળ જેવો કહ્યો છે. મૃત્યુપગલી જીવનની સૌંદર્યસુગંધને ચૂરચૂર કરી નાખે છે. મૃત્યુ સનાતન આનંદના અંજનને એકાએક ભૂંસી નાખે છે. કોઈક કવિએ પ્રતીકાત્મક રીતે મૃત્યુની મંગલમયતાને વાચા આપી છે. એમની કવિતામાં મૃત્યુની પ્રક્રિયા અલૌકિક આનંદમય અભિવ્યક્તિ પામે છે. જીવનની શાશ્વતીમાં શ્રદ્ધા ધરાવનાર કવિને મૃત્યુ મુરઝાવાની મહિ, ખીલવાની પ્રક્રિયા લાગે છે. જયારે પુત્રીના મૃત્યુના શોકને શ્લોક0 કરતો કવિપિતા જ્ઞાનવાણીને સ્વીકારી શકતો નથી. “પ્રકાશને દાટી શકાય શું કદી ?' એ પ્રશ્ન આત્માની અમરતાને વિશે પળ ઝુલાવવાનો આવે છે, ત્યારે કોઈ જ ગીતાજ્ઞાન કામ આવતું નથી. - કોઈ અન્યનું મૃત્યુ નવી વાત નથી. પણ શિરછત્રસમા પિતાનું મૃત્યુ કવિ ઉરને, પુત્રહૃદયને ખળભળાવી મૂકે છે. છ કોઠે જીતનારી ફિલસૂફી અહીં સાતમે કોઠે પછી હારી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust