________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 46 2. લોક સાહિત્ય, પ્રાચીન ભજનો તથા મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ જન્મ, જીવન અને મૃત્યુ - આ ત્રણ તત્ત્વ વિશે માનવ સતત વિસ્મય અનુભવતો આવ્યો છે. આ તત્ત્વોને સમજવા માટેની સદીઓ જૂની એની મથામણ હજુ આજેય ચાલુ છે. ને છતાં એનો પાર એનાથી પામી શકાયો નથી. માનવ પોતે ક્યાંથી આવ્યો? એ કોણ છે? જીવન દરમ્યાન એને શું કરવાનું છે? જીવનને અંતે એને કેવો અનુભવ થાય છે ? એ પછીની સૃષ્ટિ કેવી છે ? - આવા વિચારો તથા પ્રશ્નોનો અંત નથી. ને બધા પ્રશ્નોના ઉત્તરો મળતા નથી. ને છતાં માનવની એ અંગેની શોધ અવિરત વણથંભી જ રહેવાની. આ બધા પ્રશ્નો, વિચારો અને અનુભવોને વ્યક્ત કરવા વિવિધ કલા-સર્જકોએ અનેકવિધ મથામણ કરી હશે. ને તોય જન્મ જીવનસૃષ્ટિ તથા મૃત્યુ તેમજ આ બધાના રચયિતા વિશે પૂર્ણપણે કશી પ્રતીતિ કોઈ પામી શક્યું નહિ હોય. જોકે એ અંગેની મથામણ અવશ્ય સ્તુત્ય છે. માત્ર વ્યક્તિ જ નહિ, ક્યારેક સમગ્ર માનવસમૂહને પણ અનેકવિધ સંવેદનો ઝીલતાં, અનુભવતાં આ બધા પ્રશ્નોની છણાવટ કરતાં આપણે જોઈએ છીએ. સમગ્ર સમૂહે એને શ્લોકબદ્ધ કે શબ્દબદ્ધ કર્યા છે. લોક-હૃદયનાં ઊંડાં, મર્માળાં, નિખાલસ ભોળાં સંવેદનોની અભિવ્યક્તિ એ જ તો આપણું લોકસાહિત્ય. જેને સ્વ. મેઘાણીએ “લોકોર્મિ તથા સંઘોર્મિના સાહિત્ય' તરીકે ઓળખાવ્યું છે. લોક-સાહિત્યને શોધી ગ્રંથસ્થ કરવાનો ભગીરથ પ્રયત્ન ગુજરાતમાં આપણાં રાષ્ટ્રીય શાયર સ્વ. મેઘાણીએ કર્યો છે. લોકસાહિત્યમાં મૃત્યુ કરુણરૂપે વિશેષપણે નિરૂપાયું છે. તો ઉત્કટ સંવેદનામાંથી જન્મેલા પ્રેમ અને એ સંઘર્ષમાંથી નીપજેલા મૃત્યુનેય ક્યારેક અહીં સાંકળવામાં આવ્યાં છે. ગુજરાતનું લોકસાહિત્ય પણ માતબર છે. માનવહૈયાંની ભાવસમૃદ્ધિ એમાં મન મૂકીને વરસી છે. આનંદ, ઉલ્લાસ, સુખ, ઉત્સવ, અવસર, જીવનરીતિ, દુઃખ તથા વિરહ અને મૃત્યુ એમ જન્મથી માંડી છેક મૃત્યુ સુધીના સમયનો પથરાટ લોકસાહિત્યની સરવાણીનું નિમિત્ત બન્યાં છે. તેમ છતાં કોણ જાણે કેમ પણ હંમેશ મુજબ લોકસાહિત્યની ભાવસમૃદ્ધિની પરાકાષ્ઠા તો એના કરુણરસના ઝરામાંથી જ આપણે પામી શકીએ છીએ. અહીં મૃત્યુસંદર્ભે વ્યક્ત થયેલી ભાવાનુભૂતિ જ પ્રસ્તુત હોવાથી એનો જ ઉલ્લેખ કરીશું. આ લોકગીતો ગવાયાં છે મોટે ભાગે ગૂર્જર નારીને કંઠે. સ્વ. મેઘાણીએ કહ્યું છે, એમાંય વ્હાલાંઓના વિજોગ અને અવસાન ગાઈને તો સ્ત્રીઓએ હાથ ધોઈ નાખ્યા છે.”1 સ્વ. મેઘાણી કહે છે “જે કરુણામય છે તે જ આખરે સાચું હોઈ શકે.” 2 કરુણાન્ત ઘટનાના કોયડાની અગમ્યતાથી તેઓ સૌ સભાન હતા. ને કોયડાનો ઉકેલ પેલી રહસ્યમય નિગૂઢતામાં રહ્યો હોવાની પણ તેઓને જાણ હતી જ. સમગ્ર માનવજાત આદિકાળથી એમ માનતી આવી છે કે જીવનનો સાચો અર્થ જ મૃત્યુ દ્વારા પમાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust