________________ 23 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ આવે તો સૂતકનાં નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાની ચલાવવામાં આવતી ગરબડ બંધ થઈ જાય. આ રીતે લૌકિકશાસ્ત્ર ઉપર વિચાર કરતા પણ જણાય છે કે સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાનો જે પ્રચાર ચાલ્યો છે તે પાપકૃત્ય જ છે. હવે આપણે આપણાં આગમશાસ્ત્રોમાં સૂતકનો લૌકિક વિષય શી રીતે ચર્ચાયો છે તેની વિગતવાર વિચારણા કરીએ. આપણાં આગમાદિ શાસ્ત્રોમાં સૂતકના લૌકિક વિષયનો મુખ્ય રીતે બે વિભાગમાં વિચાર કર્યો છે : (1) શ્રાવક સૂતકના દિવસોમાં જિનપૂજાદિ કરી શકે કે નહિ? (2) સાધુએ ગોચરી વહોરવા માટે સૂતકગૃહોની મર્યાદા કેવી પાળવી ? આજે બાંધેભારે સૂતકના નામે પ્રતિબંધ લાદવા માટે બધા શાસ્ત્રપાઠોનો ખીચડો કરીને હવાલો આપવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે. જે વિષય ગોચરી વહોરવાનો છે તેના પાઠો ગોચરી માટે લાગુ પડે છે તેને જિનપૂજામાં લગાવી શકાય નહિ અને જિનપૂજાના જે પણ પાઠો હોય તેને ગોચરી વહોરાવવાના વિષયમાં લગાવી શકાય નહિ. જિનપૂજા અને સુપાત્રદાન : આ બંનેની મર્યાદા અલગ - અલગ છે. કોથળામાં પાંચ શેરી કૂટવાનો કોઈ અર્થ નથી. વાચકો ભ્રમણામાં ન પડે તે માટે આપણે અહીં સૌ પ્રથમ શ્રી જિનપૂજા વિષયક શાસ્ત્રમર્યાદાની વિચારણા કરીશું અને પછી ગોચરી અંગેની શાસ્ત્રમર્યાદાઓનો વિચાર કરશું. સૂતક સમયે શ્રી જિનપૂજા કરવા સંબંધી શાસ્ત્રમર્યાદા: | સ્નાન કર્યા પછી પણ અશુદ્ધિ રહે અને શ્રી જિનપૂજા ન થઈ શકે તેવા સંયોગોનું વર્ણન કરતા શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાં ફરમાવ્યું છે કે "कस्यचित् स्नाने कृतेऽपि यदि गडुक्षतादि स्रवति, तदा तेनांगपूजां स्वपुष्पचंदनादिभिः परेभ्यः कारयित्वा अग्रपूजा, भावपूजा च स्वयं कार्या, वपुरपावित्र्ये प्रत्युताशातनासम्भवेन स्वयमङ्गापूजाया निषिद्धत्त्वात् // " “કોઈ માણસને સ્નાન કર્યા પછી પણ જો ઘા-ગુમડા વગેરેમાંથી લોહીપરુ વગેરે નીકળતું હોય તો તે માણસે પોતાના ફુલ-ચંદન આદિથી બીજા પાસે અંગપૂજા કરાવવી, પોતે ન કરવી. અગ્રપૂજા અને ભાવપૂજા પોતે કરવી.