________________
(રાગ - મંદિર છો મુક્તિતણા) સાગર દયાના છો તમે, કરુણા તણાં ભંડાર છો, છો પતિતોના તારનારા, વિશ્વના આધાર છો; તારા ભરોસે જીવન નૈયા, આજ મેં તરતી મૂકી, લાખ લાખ નમન કરું, જિનરાજ તુજ ચરણે ઝૂકી. ૧ નાવિક થઈને મારી નૈયા, પાર કરશો કે નહીં, પાપી મહા આ જીવનો, ઉદ્ધાર કરશો કે નહીં; મુજ હાથ પકડો સાથ આપો, બાલ તરછોડો નહીં, ત્રણ જગતમાં તારા વિના, શરણું મને કો છે નહીં. ૨ સંસાર સાગરમાં ભમ્યો, મેં ઘોર પીડાઓ સહી, તેમાં પરમ કારણ પ્રભુ, સુખ ભોગની ઈચ્છા સહી; એવું કરો જિનવર ખરેખર, દૂર થાયે વાસના, જેથી બની પાવન કરું, હું શુદ્ધ આપ ઉપાસના. ૩
લોભાઈ ગયો લલચાઈ ગયો, સંસારની મોહ જાલમાં, જાણું છતાં જકડાઈ ગયો, હું વાસનાની આગમાં; ઉગારનારો ઉદ્ધારનારો, હે જિનેશ્વર તું મળ્યો, તુજને નિહાળી આજે પ્રભુજી, હર્ષઘેલો હું થયો. ૪
બહુકાલ આ સંસાર સાગરમાં પ્રભુ ! હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી, ત્યારે જિનેશ્વર ! તું મળ્યો; પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં, મે મૂર્ખતા બહુએ કરી.૫
૧૫૩