________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
શુદ્ધાત્માનું શરણ લેતાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે સમ્યગ્દષ્ટિને જ સાક્ષાત્ નિર્જરા હોય છે, અન્યથા નહિ. જેમ કે –
૧૯૧
ગાથા ૧૯૫ :- ‘‘જેમ વૈદ્યપુરુષ વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતાં મરણ પામતો નથી (કારણ કે તેને તેની માત્રા, પથ્ય-અપથ્ય વગેરેનું જ્ઞાન હોવાથી મરણ પામતો નથી), તેમ જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી.’’કારણ કે જ્ઞાની વિવેકી હોવાથી તે કર્મોના ઉદયને ભોગવતો છતો તે રૂપ થતો નથી અર્થાત્ પોતાને તે રૂપ માનતો નથી, પરંતુ પોતાનું ‘હુંપણું’ એકમાત્ર શુદ્ધ ભાવમાં હોવાથી અને તે ઉદયને ચારિત્રની નબળાઈના કારણે ભોગવતો હોવાથી, તેને બંધ નથી. અર્થાત્ તેના અભિપ્રાયમાં ભોગ પ્રત્યે જરા પણ આદરભાવ નથી જ કારણ તેનો પૂર્ણ આદરભાવ એકમાત્ર સ્વતત્ત્વરૂપ ‘શુદ્ધાત્મા’માં જ હોય છે અને તે અપેક્ષાએ તેને બંધ નથી, પરંતુ ભોગમાં પણ અર્થાત્ ભોગ ભોગવતા પણ નિર્જરા છે, એમ કહેવાય
છે.
ગાથા ૨૦૫ : ગાથાર્થ :- “જ્ઞાનગુણથી રહિત (અર્થાત્ વિવેકરૂપ જ્ઞાનથી રહિત) ઘણાંય લોકો (ઘણાં પ્રકારના કર્મ કરવા છતાં) આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી (અર્થાત્ સમ્યગ્દર્શન પામતા નથી); માટે હે ભવ્ય ! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇચ્છતો હો (અર્થાત્ અપૂર્વ નિર્જરા કરવા ઇચ્છતો હો) તો નિયત એવા આને (જ્ઞાનને) (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના સહજ પરિણમનને કે જે સામાન્ય જ્ઞાનરૂપ છે કે જેને જ્ઞાયક અથવા શુદ્ધાત્મા પણ કહેવાય છે, તેને) ગ્રહણ કર (અર્થાત્ તેમાં જ ‘હુંપણું’ કરી, તેનો જ અનુભવ કરી, સમ્યગ્દર્શન પ્રગટ કર).’’
ગાથા ૨૦૬ : ગાથાર્થ :- ‘(હે ભવ્ય પ્રાણી !) તું આમાં નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા, અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ (ઉત્કૃષ્ટ) સુખ થશે.’’ અર્થાત્ ‘શુદ્ધાત્મા’ના આશ્રયે જ મોક્ષમાર્ગ અને મોક્ષ મળશે કે જે અવ્યાબાધ સુખરૂપ છે.
શ્લોક ૧૬૨ :– ‘‘એ પ્રમાણે નવીન બંધને રોકતો અને (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે (અર્થાત્ સમ્યગ્દષ્ટિ પોતે સમ્યગ્દર્શનનાં આઠ અંગો સહિત હોય છે તે કારણે) નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો સમ્યગ્દષ્ટિ જીવ પોતે અતિ રસથી (અર્થાત્ નિજ રસમાં મસ્ત થયો થકો) આદિ-મધ્ય-અંતરહિત જ્ઞાનરૂપ થઈને (અર્થાત્ અનુભૂતિમાં માત્ર જ્ઞાનસામાન્ય જ છે, અન્ય કાંઈ નહિ હોવાથી કહ્યું કે આદિ-મધ્ય-અંતરહિત જ્ઞાનરૂપ થઈને) આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવને માટે તે જ્ઞાનરૂપ લોક જ તેનો સર્વ લોક હોવાથી, તે જ રંગભૂમિમાં રહીને અર્થાત્ ચિદાકાશમાં અવગાહન કરીને) નૃત્ય કરે છે (અર્થાત્ અતિંદ્રિય આનંદનો આસ્વાદ માણે છે – અપૂર્વ આનંદને ભોગવે છે).’’