________________
સમ્યગ્દર્શનની રીત
ઈચ્છાઓનો જન્મ થઈ ચૂકયો હોય છે. આ રીતે જીવ ઈચ્છાપૂર્તિના પ્રયાસના કારણે અનંત સંસારમાં રખડી રહ્યો છે. જો આ જન્મમાં પણ આપણે ઈચ્છાઓનું યથાર્થ શમન (નાશ) ન કરી શક્યા, તો હજી કેટલા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરતા રહીશું, એની ખબર નથી. ઈચ્છાપૂર્તિમાં સહાયક અથવા અવરોધ કરનાર પ્રત્યે ક્રમશઃ રાગ અથવા ઢેષ થાય છે, તે રાગ-દ્વેષ પણ સંસાર અને અનંત દુઃખોનું એક કારણ બને છે.
અનાદિથી આપણો આત્મા આ સંસારમાં સમ્યગ્દર્શનના અભાવના કારણે જ રખડે છે અર્થાત્ અનંત પુદ્ગલ પરાવર્તનથી આપણો આત્મા આ સંસારમાં અનંત દુઃખો સહન કરતો ફરે છે અને તેનું મુખ્ય કારણ છે મિથ્યાત્વ અર્થાત્ સમ્યગ્દર્શનનો અભાવ. આ મિથ્યાત્વ પોતાનો મહાન શત્રુ છે એવું જ્ઞાન ન હોવાને કારણે ઘણાં જીવો અન્ય-અન્ય શત્રુની કલ્પના કરીને આપસમાં લડતાં જણાય છે અને એમાં જ આ અમૂલ્ય જીવન પુરું કરીને પછી અનંત કાળનાં દુઃખોને આમંત્રણ આપે છે. પરમાત્મપ્રકાશ - ત્રિવિધ આત્માધિકાર ગાથા ૬૫માં પણ જણાવેલ છે કે, “આ જગતમાં (Tn the Universe) એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં ચોર્યાસી લાખ જીવયોનીમાં ઊપજીને, ભેદભેદ રત્નત્રયના પ્રતિપાદક જિન વચનને પ્રાપ્ત નહિ કરતો આ જીવ અનાદિકાળથી ન ભમ્યો હોય.”
સર્વ આત્મા સ્વભાવથી સુખસ્વરૂપ જ હોવાથી સુખના જ ઈચ્છુક હોય છે, છતાં સાચા સુખની જાણ અથવા અનુભવ ન હોવાને કારણે અનાદિથી આપણો આત્મા શારીરિક - ઇન્દ્રિયજન્ય સુખ કે જે ખરેખરું સુખ નથી પરંતુ તે માત્ર સુખાભાસરૂપ જ છે અર્થાત્ તે સુખ દુઃખપૂર્વક જ હોય છે અર્થાત્ તે સુખ ઈન્દ્રિયોના આકુળતારૂપ દુઃખને/વેગને શાંત કરવા જ સેવવામાં આવે છે, છતાં તે સુખ અગ્નિમાં ઇંધણરૂપ જ ભાગ ભજવે છે અર્થાત્ તે સુખ ફરી ફરી તેની ઈચ્છારૂપ દુઃખ જગાડવાનું જ કામ કરે છે અને તે સુખ (ભોગ) ભોગવતાં જે નવા પાપ બંધાય છે તે નવાં દુઃખોનું કારણ બને છે અર્થાત્ તેવું સુખ દુઃખપૂર્વક અને દુઃખરૂપ ફળસહિત જ હોય છે તેની પાછળ જ પાગલ બનીને ભાગ્યો છે. બીજું, શારીરિક-ઇન્દ્રિયજન્ય સુખ ક્ષણિક છે, કારણ કે તે સુખ અમુક કાળ પછી નિયમથી જવાવાળું છે અર્થાત્ જીવને આવું સુખ માત્ર ત્રસપર્યાયમાં જ મળવા યોગ્ય છે કે જે બહુ ઓછા કાળ માટે હોય છે, પછી તે જીવ નિયમથી એકેન્દ્રિયમાં જાય છે કે જ્યાં અનંતકાળ સુધી અનંત દુઃખો ભોગવવા પડે છે, અને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવું પણ ભગવાને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ તુલ્ય દુર્લભ જણાવેલ છે.
આ ઇન્દ્રિયોના વિષયો પર પ્રીતિ (પ્રેમ) પણ અનંત સંસારનું કારણ છે. આપણે અનંત વાર ઈન્દ્રિયોના વિષયોના ભોગ ભોગવ્યા છે, પરંતુ ઈન્દ્રિયોના ભોગ ભોગવવાથી ક્યારેય મન ભરાતું નથી ઊલટું તે અધિક બળવાન બને છે, એટલે વધારે માગે છે. જે રીતે અગ્નિમાં લાકડાં નાખતાં તે અધિક બળવાન બને છે, તે જ પ્રકારે ઇન્દ્રિયોને જેટલી વધુ ભોગસામગ્રી આપીશું, તેમ તેની અભિલાષા ઘટતી નથી પરંતુ વધે છે.