________________
આધિપત્ય હોય છે. પરમ સાથેના પ્રેમમાં શ્રદ્ધા અને સમર્પણ હોય છે. આથી સત્ય સાંઈબાબાએ કહ્યું છે, “અહંકાર ખજૂરના વૃક્ષ જેવો છે, જે હવા વહેતી હોય ત્યારે હંમેશાં ઊંચો રહે છે, પરંતુ જો હવાનો જોશભેર સુસવાટો આવે તો એક જ સુસવાટામાં એ વૃક્ષ તૂટીને જમીન પર પડે તેમ પડી જાય છે, જ્યારે ઈશ્વર પ્રત્યેના સમર્પણની ભૂમિ ઘાસ જેવી છે, જે ગમે તેટલાં તોફાનો આવે, તોપણ એનાથી પ્રભાવિત થતી નથી.”
પરમતત્ત્વ હંમેશાં સરળતા, સ્પષ્ટતા અને પ્રામાણિકતાને પોંખે છે, એને પામવાની તીવ્રતા હોય અને પામી શકતા ન હો તો એને માટે આર્જવભરી વાણીથી પ્રાર્થના કરો. એ તમને મળશે અને તમારા ગંતવ્યસ્થાન સુધી પહોંચાડશે. આને માટે સમય અને સમર્પણ જરૂરી છે. આપણે ઈશ્વરના અનુભવની વાત કરીએ છીએ, એની મૂર્તિને વંદન કરીએ છીએ, એનાં ભાવભર્યા ભજન ગાઈએ છીએ; પરંતુ ખરેખર એ ઈશ્વર સાથે એકાંતગોષ્ઠિ માટે આપણી પાસે સમય છે ખરો ? કે પછી વ્યસ્તતાના બહાના હેઠળ માત્ર એના બહારી સ્વરૂપ-રૂપને પ્રણામ કરીને ભક્તિની ઇતિશ્રી માનીએ છીએ ? ઈશ્વર તમારી પાસે સમય માગે છે. કરુણતા એ છે કે તમારી પાસે ખુદ તમારે માટે પણ સમય નથી. જ્યાં પોતાના શ્રેય માટે સમય ન હોય, ત્યાં પરમની પ્રાપ્તિ માટે સમય ક્યાંથી હોય ?
કઠોપનિષદમાં “આત્મા', અર્થાત્, પરમતત્ત્વની વાત કહી છે અને એ પરમતત્ત્વ કોની સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે તે દર્શાવતાં કહેવાયું
૭૮ પરમનો સ્પર્શ
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः तस्यैव आत्मा विवृणुते तनुं स्वाम् ।।
આ આત્મા, પ્રવચન કરવાથી, સાંભળવાથી, બુદ્ધિથી કે અભ્યાસથી પ્રાપ્ત થતો નથી, એનાથી આત્મસાક્ષાત્કાર થતો નથી. પરંતુ જેને આત્મા પસંદ કરે છે, આત્મા જેનું વરણ કરે છે, તેને જ તે મળે છે. આત્મા તેની સમક્ષ પોતાના સ્વરૂપને ખુલ્લું કરી દે છે.”
ઘણી વ્યક્તિઓને પરમતત્ત્વ પામવાની અધીરાઈ હોય છે. હકીકતમાં અધૂર્ય એ આધ્યાત્મિક જીવનમાં અનેક સંકટો લાવનારું અને નિષ્ફળતાનું મોટું કારણ છે. દર્દી જેમ આજે ઔષધ લે અને બીજે દિવસે સ્વસ્થ