________________
પરમ તેજે તું લઈ જા,
૭૬ પરમનો સ્પર્શ
જેનો પ્રભાવ અનુભવાતો હોય કે અનુભવવાનો હોય, તેના પર સામે ચાલીને પ્રભાવ પાડવા જાઓ, તો શું થાય ? ઘણા સાધકો ઈશ્વર પર પ્રભાવ પાડવા માટે દંભ, પ્રસિદ્ધિ આડંબર કે કૃત્રિમતાનો સહારો લેતા હોય છે. આમ તો એક ઉપવાસ કરવાનો હોય, પરંતુ અન્યથી ચડિયાતા પુરવાર થવા માટે એકસાથે ત્રણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનામાં લીધેલાં વ્રતની ઉન્નત ભાવનાઓ અનુભવવાને બદલે પોતાના વ્રતપાલનની પ્રસિદ્ધિનો પ્રચાર હોય છે. મનમાં અર્ધા કલાક માળા ગણવાનો વિચાર કર્યો હોય, પરંતુ બાજુમાં માળા ગણનાર કરતાં વધુ ચડિયાતા પુરવાર થવા માટે બીજો અર્ધો કલાક ખેંચી કાઢે છે.
પોતાની ભક્તિનો પ્રભાવ પાડવા માટે એ સરળતા, સાહજિકતા અને પારદર્શકતાને તિલાંજલિ આપીને શુષ્કતા, અહમ્ અને આડંબરથી ઉપાસના કરે છે. ક્યારેક ભક્તિની સાથે તેનો હેતુ સ્વ-પ્રશંસાનો હોય છે. પોતાની ભક્તિની સર્વત્ર પ્રશંસા થાય એ માટે પ્રસિદ્ધિભર્યા આયોજનો કરે છે. આઠ દિવસના ઉપવાસનું અઠ્ઠાઈ તપ કરીને એ રોકડ ભેટ, ચાંલ્લો કે ગિફ્ટ લે છે ! ઉપવાસની ઉજવણી ઉમદા વાનગીથી યુક્ત ભવ્ય ભોજન સમારંભથી કરે છે ! એમાં તપના ત્યાગને બદલે લગ્નસમારંભનો દોરદમામ જોવા મળે છે. આમાં છૂપી રીતે રાગ પ્રવેશી જાય છે અને ત્યાગ કે અપરિગ્રહને બદલે પરિગ્રહ અને પ્રદર્શન પ્રાધાન્ય ભોગવવા લાગે છે.
પ્રદર્શન અને પ્રભાવના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજવા જેવો છે. ધર્મ પ્રશંસા, પ્રસિદ્ધિ, આત્મશ્લાઘા કે પ્રદર્શન માટે નહીં; પણ ધર્મભાવનાની પ્રભાવના માટે છે. આમ ધર્મક્રિયાનો હેતુ શુદ્ધ હોવો જોઈએ અને સાધકે સ્વભાવ અને પ્રભાવ વચ્ચેનો ભેદ તારવવો જોઈએ. સાહજિકતા એ અંતરમાંથી સરળ ગતિએ વહેતું ઝરણું છે. પ્રભાવ કે પ્રદર્શન એ અન્યની આંખોને આંજી દેવાનો પ્રયાસ હોય છે. અર્ધા કલાક વધુ માળા ગણીને