________________
કે ભૌતિક લાલસાના વર્ષોથી વળગેલા દોષ તો પરમનો સ્પર્શ થતાં જ ઓગળી જાય છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે શ્રીરામના અંતરમાં વધામણાં થતાં જ સાધકના હૃદયમાંથી સૂર્યના પ્રખર તાપથી તત્કણ ઊડી જતાં ઝાકળબિંદુની જેમ વાસના, વિકાર કે દૂષિતતા અદૃશ્ય થઈ જાય
૭૪ પરમનો સ્પર્શ
માનવી અને સાધક વચ્ચે ભિન્નતા હોય છે. માનવી પાસે કોઈ માર્ગ હોતો નથી, જ્યારે સાધક પાસે એક સિદ્ધ થયેલો સ્પષ્ટ માર્ગ હોય છે. માનવી કોઈ પણ દિશામાં નિરુદ્દેશે ભ્રમણ કરતો હોય છે, જ્યારે સાધક એક નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત માર્ગ પર દઢ પગલાં ભરતો હોય છે. ઈશ્વરની નજર સાધકના ગુણો પર ઠરેલી હોય છે. એ એના સદુઅંશોને ઉજાગર કરીને ભાવોની ભવ્યતા અને દિવ્યતા જગાવે છે.
માનવજીવનની વિચિત્ર ગતિ એવી છે કે માનવી જ્યાં હોવો જોઈએ, ત્યાં હોતો નથી. જે માર્ગ પર એણે ગતિ કરવી જોઈએ, તેના પર ચાલતો નથી. એ કોઈ સાવ જુદા કે અવળા રસ્તે દોડતો હોય છે. આવે સમયે ઈશ્વર એને સાચા માર્ગે વાળે છે અને આગળ ધપાવે છે. સાધકના હૃદયમાં આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે અને તેથી જ એ પરમ કે પરમાત્મા આપણને આપણા અંતરની આધ્યાત્મિક અમીરાતની ઓળખ આપીને એ માર્ગે ચાલવા પ્રોત્સાહિત કરે છે, પણ એ માર્ગમાં જ આપણે મુકામ કરીએ તેમ ઇચ્છતો નથી. આપણે વચમાં ક્યાંક રહી પડવાનું નથી. કિંતુ એ માર્ગે આગેકૂચ કરીને ધ્યેય હાંસલ કરવાનું રહે છે.
પરમાત્મા પાસે તમારો બાયોડેટા કે તમારું વિઝિટિંગ કાર્ડ કે ફેસબુક એકાઉન્ટ નથી. એને તમારા ધન, વૈભવ, પદ કે પ્રતિષ્ઠા કશું જાણવાની જરૂર નથી ને એ માટે એને ફુરસદેય નથી. એની દૃષ્ટિ તો તમારી આંતર ગુણસમૃદ્ધિ ખીલવવા પર હોય છે, આથી જ એ અહં બ્રહ્માસ્મિ'નો ઘોષ કરે છે. ખુદ ભગવાન મહાવીરસ્વામી કહે છે કે “મને અનુસરવાથી મુક્તિ નહીં મળે, પણ ધર્મના માર્ગને અનુસરવાથી મુક્તિ મળશે.
અહીં બાહ્ય રૂપનો કોઈ મહિમા નથી કે બાહ્ય રૂપની કોઈ પૂજા નથી. અહીં તો એટલી જ વાત છે કે જે માર્ગે ચાલીને ઊર્ધ્વગમન સધાયું હોય તેને વળગીને આપણે આગળ ચાલીએ. આપણો દાનવી અંશ છોડતા જઈએ અને દૈવી અંશને વિકસાવતા જઈએ. આપણે પરમના માર્ગે આગળ ચાલતા રહીએ ને નિર્બળતાને વશ ન થઈએ.