________________
૬૪ પરમનો સ્પર્શ
તો બીજો પગ ઊંચો થઈને નવી ચીજની પ્રાપ્તિ માટે આગેકૂચ કરવા થનગનતો હોય ! ધીરે ધીરે જીવનના સઘળા પુરુષાર્થનું કેન્દ્ર પ્રાપ્તિ બની જાય છે. જોકે સંસારમાં તે પોતાની સિદ્ધિઓનું સ્વયં અતિ ગૌરવ કરે છે. એનાં ગુણગાન ગાય છે, મનમાં સતત એ સિદ્ધિને વલોવતો રહે છે અને જગતની એકેએક વ્યક્તિને એની જાણ થાય એવી ખેવના રાખે છે; પરંતુ આ બધાનો અધ્યાત્મમાં કશોય મહિમા નથી.
સંસારમાંથી અધ્યાત્મમાર્ગે જવાનું સાહસ કરતી વખતે એક મહત્ત્વનું કામ પોતાની સિદ્ધિઓને સ્વહસ્તે ભસ્મીભૂત કરી નાખવાનું છે. કારણ હવે જીવનસમગ્રનું લક્ષ્ય બદલાય છે. આજ સુધી યશપ્રાપ્તિનું લક્ષ્ય હતું, તે પરિવર્તન પામીને પરમાત્મપ્રાપ્તિ લક્ષ્ય બને છે. વર્ષોથી એ જ રીતે
જીવતા હતા તેમાં હવે ફેરફાર કરવાનો થાય છે. જેનું જીવનમાં પ્રબળ શું સંમોહન અનુભવ્યું હતું, તેના જન્મોજન્મના સંસ્કારોને નષ્ટ કરવા ઘણા
કઠિન હોય છે. એમાંથી બહાર આવવું તે જ છે અધ્યાત્મનું અપ્રતિમ સાહસ.
વ્યક્તિ જ્યારે પરમનો સ્પર્શ પામવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે જીવનનો મોહ અને ભવિષ્યનો ભય બંને એને પાછા વળવા માટે પોકારી પોકારીને સાદ કરે છે. એ કહે છે કે “આજ સુધી જે બધું મેળવ્યું હતું, તે અધ્યાત્મમાં સાવ ઓગળી જશે, પછી તમે એ સિદ્ધિ, સન્માન, સમારંભ, મોજમસ્તી, ભોગ અને સુખ-સગવડ વગર જીવી શકશો ખરા? સંસારમાં હતા ત્યારે આમાંથી એક પણ બાબત ન મળે તો કેટલા બધા અકળાઈ જતા હતા ! મોજ મસ્તી કરવાનું મન થાય અને કોઈ મિત્રનો સાથ ન મળે ત્યારે કેટલા બધા વ્યથિત થઈ જતા હતા ! હંમેશાં ઍરકન્ડિશનમાં રહેતા હતા અને એકાદ વાર ગ્રીષ્મ ઋતુમાં ગામડામાં બપોર ગાળવાની આવી, ત્યારે કેટલું બધું અસુખ થયું હતું ! આમ સંસારમાં પ્રતિકૂળ લાગેલી માત્ર કોઈ એક જ બાબત નહીં, પણ બધી જ પ્રતિકૂળતાઓ એકસાથે અધ્યાત્મમાર્ગે સહેવાની આવશે, તે તમે સહન કરી શકશો ખરા?’
જ્ઞાતને તો એ બરાબર ઓળખે છે, એના સુખ અને દુઃખની એને જાણ છે, એના લાભ અને નુકસાનનો એને અંદાજ છે, આ સઘળી દુન્યવી બાબતો જે સુવિધા કે અસુવિધા આપે છે એની પૂર્ણ જાણકારી છે, પરંતુ આવા દિવસ જેવી ઊજળી પરિચિતતામાંથી અંધારઘેરી અપરિચિતતા તરફ જવું એ કોઈ નાનીસૂની બાબત નથી. આપણે જાણીતા માર્ગે જવા રાજી