________________
પ૨ પરમનો સ્પર્શ
અનુભવ થશે. જ્યારે સત્-સમાગમ કરો ત્યારે ચિત્તમાં સાત્ત્વિક ભાવોલ્લાસ જાગશે.
ભક્તિમાં નિરાશા સેવતા, નિષ્ણાણ ધર્મક્રિયા કરતા, વૃદ્ધાવસ્થાનો સમય વિતાવવા મંદિર કે દેરાસરની આસપાસ ટોળટપ્પાં મારવા એકઠા થતા લોકો વચ્ચે જો તમે ફસાઈ ગયા તો આવી બન્યું ! આવા લોકો ચેપી રોગ જેવા છે અને એમનો રોગ તમને લાગુ પડી જશે તો તમને જીવનમાં ધર્મને નામે વ્યર્થ રીતે જીવવાની બીમારી લાગુ પડી જશે. જેમની પાસે ભક્તિ નથી, ઉત્સાહ નથી, લાગણી નથી અને ધ્યેય નથી એવી વ્યક્તિઓ સાથેનો સંગ કુસંગ જેવો અને તેય અનિષ્ટસર્જક કુસંગ સમાન બને છે.
પોતાના જીવનના હેતુ વિશે જેમની પાસે સહેજે સ્પષ્ટતા નથી અને જીવનનું કોઈ ઉચ્ચ ધ્યેય નથી એવી વ્યક્તિઓ સાથે તમારી મૈત્રી થતાં તમે વ્યર્થતાના પાંજરામાં પુરાઈ જશો. કુસંગમાં ફસાયેલાને સત્સંગની કદી કલ્પના આવતી નથી. પોતાની જાતને અતિ બુદ્ધિશાળી માનનાર અહંકારી વ્યક્તિ સત્સંગ-સભાની મજાક પણ કરતી હોય છે, પરંતુ આ મજાક પાછળ એની સમજને બદલે ઘોર અજ્ઞાન કારણભૂત હોય છે.
સાધકે જીવનમાં એવા મિત્રોની પસંદગી કરવી જોઈએ કે જેમને સત્સંગમાં રસ હોય, અધ્યાત્મને પામવાની જિજ્ઞાસા હોય અને પરમનો સ્પર્શ અનુભવવાની તાલાવેલી હોય. આવી મૈત્રી વ્યક્તિને જીવનની સ્થૂળતાથી દૂર સૂક્ષ્મતા તરફ દોરી જશે. વર્તમાન યુગમાં સુરુચિ કે સુસંસ્કાર ધરાવનારી વ્યક્તિઓ મળવી મુશ્કેલ છે, ત્યાં સત્સંગમાં રસ ધરાવનારી વ્યક્તિઓ તો દુર્લભ જ હોય. આમેય સારી વસ્તુઓ સદેવ વિરલ ને દુર્લભ હોય છે. તેથી સાધકે સારી મૈત્રી માટે પ્રયાસ કરવો જોઈએ, જેના દ્વારા એ સત્પુરુષો અને શાસ્ત્રોનો સત્સંગ પામી શકે. આથી જ શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગને “આત્માનું પરમ હિતૈષી ઔષધ' એટલે કે સાધકના આત્માને હિત કરનારું પરમ – શ્રેષ્ઠ – ઔષધ કહ્યું છે.
ભક્તિમાર્ગના અનેક સંતો અને ભક્તો માત્ર ભજન અને સત્સંગથી ભવસાગર તરી ગયાનાં દૃષ્ટાંતો મળે છે. ઉમદા માનવીની મૈત્રીથી આધ્યાત્મિક સત્સંગ સુધીની આ ઊર્ધ્વ યાત્રા છે. એમાં કોઈએ શાસ્ત્રજ્ઞાનની વાત કરી, કોઈએ ભક્તિ કે ભજનની વાત કરી, કોઈએ કીર્તનની વાત કરી, તો કોઈએ સંત કે સગુરુની વાત કરી.