________________
પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય, પોતાની જાતને અધમાધમ માનશો, તો તમને સદ્અંશોને જોનારી ઈશ્વરીય દૃષ્ટિનો લાભ નહીં મળે. ઈશ્વર તમને મોક્ષ, નિર્વાણ કે કલ્યાણની ભાવના અર્પવા માગે છે અને તે સમયે એના સંતાન તરીકે કે એના અંશ તરીકેની ખુમારી તમારી પાસે હોવી જોઈએ.
ઈશ્વરને પામવા માટેનો નરસિંહ મહેતા જેવો ઉત્સાહ છે ? સ્વામી રામતીર્થ કે આનંદમયી માતા જેવી ભક્તિ છે ? મીરાં જેવો તલસાટ છે ? ઈશ્વર તો આપણને એના પ્રિય સંતાનો તરીકે જુએ છે. એના વિશાળ સામ્રાજ્યના અદના નાગરિક તરીકે નીરખે છે અને તેથી જ ઈશ્વરનાં દર્શન, પૂજા કે ઉપાસના કરતી વખતે તમારી આંખોમાંથી પ્રસન્નતાનો સાગર ઊભરાવો જોઈએ. કૃષ્ણવિરહિણી મીરાંબાઈ કહે છે :
‘ચાકર રહસું, બાગ લગાસું, નિત ઉઠ દરસન પાસું, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસું,
મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.”
ગોવિંદ પર મીરાંની કેવી શ્રદ્ધા છે ! સામાન્ય રીતે વ્યક્તિ ઈશ્વર સન્મુખ ઊભો હોય છે, ત્યારે એ એની પદવી, પ્રતિષ્ઠા, સત્તા કે અધિકાર ભૂલી શકતો નથી. એ ઈશ્વરપ્રાપ્તિની ઝંખના રાખે છે, પરંતુ એને માટે જરૂરી સમર્પણ હોતું નથી. રાજરાણી મીરાંનું આ સમર્પણ જુઓ. એના હૃદય પર દૃષ્ટિ ઠેરવીને બેઠેલા ગોવિંદને એ કહે છે કે તમે કહેશો તો અમે તમારા ચાકર બનીને રહીશું. તમે કહેશો તો માળી થઈને તમારું બાગકામ કરીશું, પણ અંતે તો અમારે તો વૃંદાવનની કુંજગલીઓમાં તમારી લીલાનું ગાન કરવું છે.
શ્રીકૃષ્ણની દૃષ્ટિ મીરાંના અંતરમાં રહેલા આ ભાવોને જોઈને કેટલી બધી પ્રસન્ન થતી હશે ! સમર્પણની આ મસ્તી પર શ્રીકૃષ્ણની દૃષ્ટિ પડતી હશે ત્યારે મીરાંના હૃદયમાં કેવો અવર્ણનીય આનંદ ઊભરાતો હશે ! આથી ક્યારેક એવો પ્રશ્ન પણ જાગે કે આપણે ઈશ્વરને ચાહીએ છીએ કે ઈશ્વર આપણને ચાહે છે ? અને આ સવાલ એવો છે કે જેનો ઉત્તર મુશ્કેલ છે. પહેલાં મરઘી કે પહેલાં ઈંડું એના જેવો આ પ્રશ્ન છે. હકીકત એ છે કે ઈશ્વર તમને ચાહે છે, કારણ કે તમે ઈશ્વરને ચાહો છો.
પરમનો સ્પર્શ ૪૯
છ