________________
આનંદનો વાસ મનુષ્યના હૃદયમાં છે. એ અંતરમાંથી ઉદ્ભવે છે, પરંતુ આધુનિક માનવી માત્ર બાહ્ય બાબતોમાં જ આનંદ માણવા લાગે છે. આપણો આત્મા અને આપણો જુસ્સો એ મહત્ત્વની બાબત છે અને તેથી જ જીવનની બાહ્ય પ્રવૃત્તિને બદલે ભીતરમાં જવું વધુ જરૂરી છે. ઈશ્વર આપણી સઘળી સંભાળ રાખે છે એ સાચું, પરંતુ એ સૌથી વધુ સંભાળ તો આપણા અંતઃકરણની રાખે છે. આ અંતઃકરણ જ આપણને જિંદગીની પ્રતિકૂળતાઓ વચ્ચે પ્રભુશ્રદ્ધાથી દૃઢ રાખે છે. આવા મજબૂત અને મક્કમ જુસ્સાને કારણે આપણે ઘણી શારીરિક વેદનાઓને સહન કરી શકીએ છીએ. આપણી અંદર પડેલા જુસ્સાને જાણવો જોઈએ અને આપણા અંતર-આત્માને ઓળખવો જોઈએ, કારણ એટલું જ કે આપણે કલ્પીએ નહીં એવી અનેક જુદી જુદી રીતે આપણું ભીતર આપણા બાહ્ય જીવનને દોરતું હોય છે. આપણા રોજિંદા જીવનમાં આપણા હૃદયના ભાવનું પ્રાગટ્ય થતું હોય છે.
૪૬ પરમનો સ્પર્શ