________________
૪૪ પરમનો સ્પર્શ
કે પછી તમારા જીવન પર થયેલા દુઃખના આઘાતને એણે હળવો કર્યો હોય અને તેને પરિણામે તમારા જીવનમાં ચેતનાનો પુનઃ સંચાર થયો હોય. એ નાનકડા સહયોગને કારણે જીવનમાં વધુ ઉત્સાહ કે ઉમંગ પ્રાપ્ત થયા હોય અથવા તો આત્મામાં આનંદ અને જાગૃતિનો અનુભવ થયો હોય.
આપણને જીવનમાં મદદ કરનારી આવી વ્યક્તિઓ વિશે ભાગ્યે જ ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે. એમાં પણ નિકટના સ્વજનો કે પરિચિત વ્યક્તિઓએ દાખવેલા સદ્ભાવ કે કરેલી મદદને તો લેખામાં જ લેવાતી નથી. વળી રોજબરોજના પરિચયમાં આવતી વ્યક્તિઓ પ્રત્યે એમણે કરેલી મદદ માટે ઉપકારભાવ શેનો દાખવવાનો હોય, એમ વિચારીએ છીએ. જાણે કે એમની સહાય લેવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર ભોગવી રહ્યા હોઈએ !
પરિણામે પરિચિતતાને કારણે આવા નિકટના સંબંધોનું સમય જતાં એકવિધતામાં રૂપાંતર થઈ જાય છે અને એ એકવિધતામાંથી કંટાળો કે ઉદાસીપણું જાગે છે. આમ પરિચિતતા ઘણી વાર માણસને થાપ ખવડાવે છે. વેદ, ઉપનિષદ કે કોઈ ધર્મગ્રંથ વિશે વ્યાખ્યાન અપાતું હોય, ત્યારે શ્રોતા ઘણી વાર સર્વજ્ઞતાનો ડોળ ધારણ કરીને બેઠો હોય છે. વ્યાખ્યાતા કોઈ વાત કરે, તો તત્કાળ મનમાં વિચારે છે કે “આ તો હું જાણું છું, આમાં શું નવી વાત કરી ?” પરંતુ બને છે એવું કે “આ તો હું જાણું છું' એવા એના ભાવને કારણે એ નથી જાણતો એવી બાબતો અંગે અપાયેલું જ્ઞાન ચૂકી જાય છે. પરિચિતતાને કારણે આપણે ઘણુંબધું માની લઈએ છીએ અને એથી જ જે બાબતમાં કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ, એમાં કૃતજ્ઞતા પ્રગટ કરતા નથી.
આજે પતિ-પત્નીના સંબંધોમાં કંટાળો જોવા મળે છે, એનું કારણ આ જ છે, પિતાપુત્રના સંબંધોમાં કોઈ પ્રકારનું જોડાણ જોવા મળતું નથી, એનું કારણ પણ આ જ છે. પત્નીએ આપેલા સાથ બદલ પતિ કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરે કે પિતાએ કરેલી મદદ બદલ પુત્ર કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરે એવું આપણે ત્યાં બનતું નથી અને તેથી જ આ સંબંધોમાં રહેલી મીઠાશની વૃદ્ધિ થતી નથી. પતિ કે પુત્ર થોડો સમય કાઢીને કરેલી મદદ બદલ આભાર અભિવ્યક્ત કરે તો એ સંબંધમાં નવી ચેતનાનો સંચાર થાય છે. આમાં બંનેને લાભ થાય છે અને એની સાથે એમના જીવનમાં