________________
પ્રારંભે
ધર્મતત્ત્વનું અવગાહન, સંતોનો પ્રત્યક્ષ મેળાપ, અધ્યાત્મરસિકોનો સત્સંગ અને ભીતરમાં સદૈવ વહેતી અધ્યાત્મ-પિપાસામાંથી સર્જાઈ આધ્યાત્મિક અનુભૂતિ માટેની અભીપ્સા અને ઉપાસના. આકાશ અને અધ્યાત્મને ક્યાં કોઈ દીવાલ હોય છે ? ધર્મ સંપ્રદાયના આંધળા અભિનિવેશથી કે વાડાબંધીથી મુક્ત એવી પરમના સ્પર્શની ઝંખના જાગી. એવા સ્પર્શને પામવા માટે આંતરજીવનની તાલીમશાળામાં કેટલાક પ્રયોગો કર્યા અને એ રીતે પરમનો સ્પર્શ પામવાની નોંધવણી તૈયાર થતી રહી.
આમાં આલેખાયેલું ચિંતન સૌ માનવીને માટે ઊર્ધ્વરોહણમાં પ્રેરક બને એ જ એક આશય. ઉદાહરણમાં ચિંતન ખોવાઈ જાય નહીં, તેની તકેદારી રાખી. સિક્કાની બંને બાજુની માફક શુભ પરિબળો સાથે અશુભનાં પરિબળો પણ ધ્યાનમાં રાખ્યાં છે.
સર્જક ‘જયભિખ્ખ'એ ‘ગુજરાત સમાચાર'ની રવિવારીય પૂર્તિમાં મુનીન્દ્ર'ના ઉપનામ હેઠળ ‘જાણ્યું છતાં અજાણ્ય' કૉલમ શરૂ કરેલી. એમનું અવસાન થતાં ૧૯૭૦માં એમની પ્રસિદ્ધ ‘ઈટ અને ઇમારત' કૉલમની સાથોસાથ ‘જાયું છતાં અજાણ્ય' કૉલમ લખવાની જવાબદારી પરમ આદરણીય શ્રી શાંતિલાલ શાહે મને સોંપી. વર્ષોથી એ કૉલમ ચાલતી હોવાથી એમાં અનેક લેખો પ્રકાશિત થયેલા હતા. તેમાંથી કેટલાક લેખોનો સંચય કરી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવાનો મુરબ્બીઓ ને મિત્રોનો આગ્રહ હતો. એ આગ્રહ હવે ફળીભૂત થાય છે એનો આનંદ છે. આ સંદર્ભમાં શ્રી શ્રેયાંસભાઈ શાહ, બાહુબલિભાઈ શાહ તથા નિર્મમ શાહનો આભારી છું. ગુજરાતી વિશ્વકોશના કાર્ય નિમિત્તે જેમના સારસ્વતી-સત્સંગથી સદૈવ લાભાન્વિત થતો રહ્યો છું એવા મારા પરમ સ્નેહી મુરબ્બી શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ પાસેથી આ પુસ્તક અંગે મળેલા માર્ગદર્શન માટે તેમનો આભારી
બાળપણથી જ પૂજ્ય શ્રી મોટા, મા આનંદમયી, પૂ. કલ્યાણચંદ્રજી બાપા, શાંતિપ્રસાદજી મહારાજ જેવાં સંતાનો અને અનેક જૈન આચાર્યોનો