________________
૨૨ પરમનો સ્પર્શ
પાલન શક્ય નથી. અહિંસાની તાલીમ માટે મરવાની તાકાત જોઈએ. હવે વિચાર કરો કે વ્યક્તિએ આવા ગુણોની તાલીમ લીધી હોય નહીં અને એ ગુણો કેળવ્યા હોય નહીં, પછી એ માત્ર અહિંસાની ભાવનાનું રટણ કરે કે એનો પ્રયોગ કરે તો એ સફળ થાય ખરો?
આ રીતે ઈશ્વરના આશીર્વાદ પામવા માટે ગુણોની કેળવણીની જરૂર છે. આ તાલીમ કે કેળવણીમાં સૌથી નિર્ણાયક બાબત છે વ્યક્તિનો ઈશ્વરસન્મુખ રહીને જીવન જીવવાનો દઢ સંકલ્પ. એ વ્યક્તિની દૃષ્ટિ કોઈ સાંસારિક સિદ્ધિ પામવા તરફ નહીં, પરંતુ પરમનો સ્પર્શ પામવા પ્રત્યે હશે. પ્રત્યેક કાર્ય કરતી વખતે એ વિચાર કરશે કે આનાથી એ પ્રસન્ન થશે કે નારાજ ? એના જીવન-વ્યવહારના તોલમાપનો કાંટો એ હશે. જેનાથી પરમ રાજી થાય એવું કરવું, નારાજ થાય એવું કદી ન કરવું. આમ વ્યક્તિગત રાજીપાને બદલે પરમના રાજીપાનો સતત ખ્યાલ કરવાનો રહે. આને પરિણામે એવો કાર્યવિવેક જાગશે કે અવળે માર્ગે કે કુસંગ તરફ એ ડગલું પણ નહીં માંડે. અકલ્યાણકર માર્ગો પર એ ‘નો એન્ટ્રી'નું બોર્ડ લગાવશે. શુભ કે મંગલદાયી માર્ગો તરફ એની સહજ ગતિ થશે અને જેમ આગળ વધશે તેમ ઊર્ધ્વ કલ્યાણગામી નવા નવા માર્ગો મળતા રહેશે. પાનખરમાં વૃક્ષ પરથી પર્ણો ખરે તેમ દુર્ભાવોનાં પર્ણો ખરી પડશે.
કઈ રીતે ઈશ્વર સન્મુખ રહી શકાય ? ઈશ્વરને એ બે પ્રકારે સન્મુખ રાખશે : એક તો પોતાના પ્રત્યેક કાર્યમાં ઈશ્વરને હાજર-નાજર રાખશે અને બીજું કે એ ઈશ્વરના ગુણોનું અવિરત ચિંતન કરીને એવા ગુણોની પ્રાપ્તિ માટે પ્રયાસ કરશે. એ ગુણો પોતાના વ્યક્તિત્વમાં ખીલવવા માટે સભાન બનીને પ્રયત્ન કરશે. જીવનવ્યવહારમાં જાગતાં પ્રબળ પ્રલોભનો અને આકર્ષણોની વચ્ચે રહીને એ આ દિવ્ય ગુણોનું હૃદયમાં અવતરણ કરવા અને પછી એ અવતરિત થયેલા ગુણોને વ્યવહારમાં પ્રગટાવવાનો પ્રયાસ કરશે.
માણસની ભીતરમાં ગુણ અને અવગુણ, પ્રકાશ અને અંધકાર, દેવ અને દાનવ - બંને એકસાથે વસેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ રૂપે ગુણવાન કે પૂર્ણ રૂપે અવગુણ ધરાવતી હોતી નથી. સમજદાર વ્યક્તિ પોતાના ગુણોને ખીલવે છે અને અવગુણો પર કાબૂ રાખે છે. અવગુણોને ઓગાળતાં જઈને ગુણો ખીલવીને જીવનબાગમાં ગુલાબ રૂપે પ્રગટાવતો રહે છે. અવગુણ ધરાવનારી વ્યક્તિના હૃદયમાં ગુણ વિદ્યમાન તો હોય