________________
દુઃખ એ ભૂતકાળમાં જીવવાની આપણી આદતને કારણે સર્જાયેલું છે. ભવિષ્યની ફિકર અને ભૂતકાળની માન્યતાઓને કારણે વ્યક્તિ મૂંઝાયેલો રહે છે. એ પોતાના ભૂતકાળને ભૂલી શકતો નથી અને તેથી વર્તમાનમાં વારંવાર એનું સ્મરણ કરીને દુઃખ અનુભવે છે. વૃદ્ધ પુરુષો પોતાના ભૂતકાળને યાદ કરીને આંસુ સારતા જોવા મળે છે ! પિતા પોતાની બાલ્યાવસ્થાને યાદ કરીને પોતે પિતાને કેટલો આદર આપતા હતા તેનું સ્મરણ કરે છે અને સાથે જ આજે પુત્ર એમની સાથે કેવી રીતે વર્તે છે, તેની તુલના કરીને વર્તમાન જીવનને દુ:ખી બનાવતા હોય છે. આમ દુઃખનું કારણ ભૂતકાળનો બોજ ઊંચકીને ચાલવાની માણસના મનની આદત છે.
આપણા જીવનમાં દુ:ખના એક કારણ તરીકે કામનાઓ જોઈ શકાય છે. માણસ એક પછી એક ઇચ્છાની પાછળ દોડતો રહે અને પછી એમાં નિષ્ફળ જતાં દુઃખ અનુભવે છે. અહીં દુઃખ આવતું નથી, પરંતુ માણસે એનું સ્વયં સર્જન કર્યું હોય છે. ગરીબ કરતાં પણ અમીરોને કામનાનું વધુ દુ:ખ હોય છે. કોઈ સિદ્ધિનું સ્વપ્ન આંખમાં આંજીને વ્યક્તિ દોડ્યા જ કરે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે તેમ,
“આંખમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ,
દોડે છે ઝંખનાના હરણ ક્યાંથી ક્યાં સુધી.” પોતાની કામનાઓ સિદ્ધ કરવા માટે વ્યક્તિ રાતદિવસ એક કરતી હોય છે. પોતાની ઇચ્છા સંતોષાય નહીં, તો એ હતાશ બનીને આત્મહત્યાના માર્ગે પણ જતી હોય છે. આ જગત એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા આતુર છે. આવી કામના સાથે આશા જોડાયેલી હોય છે. તમારી કામના પૂર્ણ થાય, પરંતુ આશા તો અતૃપ્ત જ રહેવાની.
સ્વામી રામતીર્થ જાપાનના પ્રવાસે ગયા હતા, ત્યારે એમણે માત્ર એક વેંત જેવડાં દેવદારનાં વૃક્ષો જોઈને આશ્ચર્ય અનુભવ્યું. ભારતમાં તો દેવદારનાં વૃક્ષો ખૂબ ઊંચાં હોય તો અહીં સાવ નાનાં કેમ ? એની તપાસ કરતાં એમને જાણ થઈ કે દેવદારનાં વૃક્ષોનાં મૂળિયાં સતત કાપી નાખવામાં આવે છે. આને પરિણામે આ દેવદાર સહેજે ઊંચાં થતાં નથી. આવી જ રીતે કામના આપણા જીવનવૃક્ષનાં મૂળિયાં સતત કાપતી હોય છે. કામના હોય કે એક ભવ્ય બંગલો હોય અથવા અદ્યતન મૉડલની મોટરકાર હોય, પરંતુ એ બંગલો અને કાર મળ્યા પછી પણ આનંદપ્રાપ્તિ થતી
પરમનો સ્પર્શ ૧૯૭