________________
ભરનારની પહેલાં ભૂખ જાય, પછી દાંતમાં સડો પેસે અને અંતે કૅન્સરનો ભોગ બને અને પછી હૉસ્પિટલમાં પડ્યા પડ્યા એમ વિચારે કે જિંદગીમાં એટલાં બધાં દુઃખો છે કે એને ભૂલવા માટે ગુટખા ખાવા જરૂરી છે ! આમ વ્યક્તિ જાતે દુઃખને વહોરી લાવે છે અને પછી એ દુઃખનો દોષ બીજા પર ઓઢાડે છે, આથી જેને આપણે દુ:ખ માનીએ છીએ એ ખરેખર દુ:ખ ન પણ હોય.
મનુષ્યજીવનનું એક મોટું દુ:ખ એની ભયની લાગણી છે. માનવી એના બંગલામાં સુરક્ષિત બેઠો હોય, તેમ છતાં ભયથી ફફડતો હોય છે. રાત્રે કોઈ અવાજ થતાં એના મનમાં ભયની કંપારી છૂટે છે. એને ડગલે અને પગલે ભય લાગતો હોય છે. નિર્ધન હોય ત્યારે ભૂખમરાનો ભય હોય છે અને ધનવાન હોય ત્યારે લક્ષ્મીરક્ષાનો ભય હોય છે. કાળાં નાણાં કઈ રીતે છુપાવવાં તેની ચિંતાનો કે ઇન્કમટેક્સની ‘રેડ'નો ભય હોય છે. વ્યવસાયમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય, તો એને એ હોદ્દો જાળવી રાખવા માટે રાતદિવસ આકરી મથામણ કરવી પડે છે. માથે હકાલપટ્ટીનો ભય હોય છે. એને ભય હોય છે કે જો આવી ઊંચા પગારની નોકરી જશે, તો આવી બીજી કોઈ નોકરી મળશે નહીં, આથી નોકરી ગુમાવવાના ભય સાથે એ “સ્ટ્રેસ'થી જીવતો હોય છે. કોઈને ભય હોય છે કે જો એ કોઈ આંદોલનમાં ભાગ લેશે, તો શાસકો એને હેરાન-પરેશાન કરશે. આમ, માણસ ભિન્ન ભિન્ન પ્રકારના ભયથી પીડાતો હોય છે. ભયથી એનું જીવન કુંઠિત બને છે અને એનું ચિત્ત વિક્ષુબ્ધ રહ્યા કરે છે.
કેટલાક ભય કાલ્પનિક હોય છે. કેટલાકને પોતાના શત્રુ કે દુશ્મનનો સતત ભય રહેતો હોય છે અને સવારે પથારીમાં આંખ ખોલે ત્યારે એને પહેલો વિચાર પરમાત્માને બદલે પોતાના દુશ્મનનો આવતો હોય છે. કોઈ પણ ઘટના બની હોય, તો એની પાછળ એના દુશ્મનનું કાવતરું હશે એવી સતત શંકા તે સેવતો હોય છે.
વૃદ્ધાવસ્થામાં પણ વ્યક્તિનું જીવન ઘણું ભયપીડિત હોય છે, એને ભય લાગે છે કે જો પેરાલિસિસ થઈ જશે, તો શું થશે ? એને ડર હોય છે કે યાતનાભર્યું મૃત્યુ આવશે તો શું થશે ? અખબારમાં એકાકી વૃદ્ધોની હત્યાઓ વાંચીને એ વૃદ્ધ ભયભીત બનીને જીવતા હોય છે. આ ભયમાં એકલતાનું ઉમેરણ થતાં કેટલાક કાલ્પનિક ખ્યાલો ઊભા થાય છે. અને પછી કોઈ માણસ મારી હત્યા કરવા માટે ફરે છે” કે “કોઈએ મારા
પરમનો સ્પર્શ ૧૯૫