________________
એને વિશે એ સુખનો કિલ્લો રચી દે છે. એ જેને સુખ ધારે છે એ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને કોઈ આનંદ મળતો નથી. - લક્ષ્મી, સંપત્તિ, સમૃદ્ધિ, બંગલો, સત્તા – એ બધાંમાં એને સુખનાં સ્વપ્નો દેખાય છે, પરંતુ નિકટ જઈને એનો અનુભવ કરે ત્યારે એને ખ્યાલ આવે છે કે જેને સુખ માન્યું હતું એ તો મૃગજળ હતું. જેમ પાણી છે એમ માનીને મૃગજળની પાછળ મૃગ દોડે એમ પોતે દોડ્યો હતો.
જો માણસ એના સુખની પ્રત્યેક કલ્પનાની તપાસ કરે તો ખ્યાલ આવશે કે અંતે તો મીરાંએ કહ્યું છે તેમ “સંસારીનું સુખ કાચું” છે. વ્યક્તિ સંસારનું પોતાના પુત્રમાં, પત્નીમાં અને પરિવારમાં સુખ જોતો હોય છે; પરંતુ ધીરે ધીરે એને એ અનુભવ થાય છે કે સુખ તો તેમાં પણ મળતું
નથી.
૧૮૨ પરમનો સ્પર્શ
આમ વ્યક્તિ ઇચ્છે છે સુખ અને દોડે છે. વિષયસુખ તરફ. આવું સુખ મેળવવાની પાછળ એ વર્ષોનાં વર્ષો ગાળી નાખે છે. માત્ર વર્ષો જ નહીં, પણ ભવોના ભવ આની પાછળ વ્યતીત કરે છે અને આમ પ્રત્યેક ભવે આ સંસારના કાચા સુખની પાછળ ભમતો રહે છે. એ ક્યારેય વિચારતો નથી કે પોતે જેની તૃષ્ણા સેવે છે, ખેવના રાખે છે અને જે સુખ મેળવવા માટે રાતદિવસ દોડધામ કરે છે, એ તો માત્ર સુખની કલ્પના છે, વાસ્તવિક સુખ નથી.
માનવી કલ્પનાના દોરે અને આશાના તાંતણે, રાગના રંગથી જીવનદોડ લગાવે છે. એ તૃષ્ણાઓ પાછળ દોડતો જ રહે છે. એટલું બધું દોડે છે કે દોડતાં દોડતાં થાકીને નીચે જમીન પર ગબડી પડે છે. વળી નવી તૃષ્ણા જાગતાં ફરી ધૂળ ખંખેરી ઊભા થઈને દોડવાનો પ્રારંભ કરે છે, ફરી થાકીને ધરતી પર ઢળી પડે છે અને એની આવી દોડ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પોતે કરેલી સુખની કલ્પના કેવી મિથ્યા અને માયાવી છે એ તેને સમજાતું નથી અને તેને પરિણામે એ પોતાના જીવનમાં મિથ્યા કાર્યો કરતો રહે છે. તૃષ્ણાની પાછળ સાવ મૂઢ બનીને દોડતો રહે છે. તૃષ્ણાને પણ આવા દોડતા માનવીને કઠપૂતળીની જેમ નચાવતાં બહુ આનંદ આવે છે!
QE