________________
૧૭૮ પરમનો સ્પર્શ
આધ્યાત્મિકતા માટે પુરુષાર્થ કરવો યોગ્ય ગણાશે ? વળી કોઈ વિચારે છે કે જિંદગીનાં આટલાં બધાં વર્ષો વીતી ગયાં અને હવે સાવ વૃદ્ધ થઈ ગયા છીએ, ત્યારે પ્રભુની પ્રાપ્તિ શક્ય બનશે ખરી ?
ક્યાંક વહેલી ઉંમરની દ્વિધા છે, તો ક્યાંક મોડા પડ્યાની ફિકર છે. જો તરુણાવસ્થામાં આધ્યાત્મિકતાનું સિંચન થાય તો વ્યક્તિનું જીવન ખીલી ઊઠે છે. એ સંસ્કાર જીવનમાં રોપાઈને એનું જીવનપુષ્પ મહેકી ઊઠે છે, પરંતુ ‘આ ઊગતી ઉમરે તે કંઈ પ્રભુ ભક્તિ કરવાની હોય?” એમ માનીને એ એની ઉપેક્ષા કરે છે, તો બીજી બાજુ હવે છેક જિંદગીના આરે આવીને ઊભો છું ત્યારે પ્રભુભક્તિથી શું મળશે, ઘણા મોડા પડી ગયા છીએ એમ કેટલાક માનતા હોય છે. આ રીતે તેઓ પણ પ્રભુભક્તિ કરવાનું ચૂકી જાય છે.
હકીકતમાં કોઈ પણ ઉંમર આધ્યાત્મિક સાધના માટે યોગ્ય હોય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં દેહનું પંચાંગ જોવાતું નથી, પણ એની પરમ તત્ત્વની પ્રાપ્તિ માટેની ઝંખના જોવાય છે. એના દેહની ઉમરનો કોઈ મહિમા નથી, એના જીવનમાં થયેલા આધ્યાત્મિક અનુભવથી એની ઉમરનો પ્રારંભ થાય છે. પરમનો સ્પર્શ પામવા માટે સ્ત્રી હોય કે પુરુષ, ગૌર હોય કે શ્યામ, કુમાર હોય કે વૃદ્ધ – એ બધાં જ યોગ્ય છે. આધ્યાત્મિક સાધનામાં તમે કેટલી સંપત્તિ એકઠી કરી છે, એનું લેશમાત્ર મહત્ત્વ નથી, તમે કેટલું શિક્ષણ પામ્યા છો એનું કોઈ વજૂદ નથી. પરમના સ્પર્શ માટેની કસોટી તો જુદી હોય છે. એનાં તોલમાપ નોખાં હોય છે. એમાં તમે ઈશ્વરને ગમે તેવું શું કર્યું છે અને હવે શું કરવા માંગો છો તે જોવાય છે. એને પામવા માટે કેટલી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તમારી સજ્જતા છે તે જોવાય છે.
ઈશ્વરે પણ તમારે માટે કશુંક નિર્ધારિત કરીને રાખ્યું હોય છે. એણે પણ આપણા જીવનને માટે કોઈ હેતુ નક્કી કર્યો હોય છે. આપણા જીવનમાં ભૌતિક એષણા કે ઇન્દ્રિય સુખોની લાલસા આવે, પણ એમાંથી ઊર્ધ્વતાનો માર્ગ બતાવનાર પણ ઈશ્વર છે. ભૂલોનો પંથ છોડી સુધારણા તરફ દોરી જનાર પણ ઈશ્વર છે અને તમને તમારા જીવનના હેતુ વિશે અહર્નિશ જાગૃત રાખનાર પણ ઈશ્વર હોય છે. વળી એમની પ્રત્યેક ક્ષણની ઉપસ્થિતિ તમારામાં તેજ અને તાકાત પ્રગટાવે છે.
90