________________
૧૬૮ પરમનો સ્પર્શ
આપવામાં પાછું વળીને જોયું પણ નહોતું, આમ છતાં એ ધ્યેય પર દૃઢ રહ્યા અને તેથી સફળ થયા.
ધ્યેયદઢતા જીવનમાં આવતી દ્વિધા, અનિશ્ચિતતા અને આફતોને અળગી કરી નાખે છે. ‘ફિકરની ફાકી કરે, ઉસકા નામ ફકીર' એમ કહેવાયું છે. આવા ફકીર વિશે કંઠ, કહેણી અને કવિતાનો વારસો પામેલા ભક્ત કવિ દુલા ‘કાગ’ કહ્યું છે,
“જગમાં જેનું નામ ફકીર જી ! એનું નામ ફકીર જેની મેરુ સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર જી.... વિપતથી વણસે નઇ, એનું સંતોષી શરીર જી, ‘કાગને એ કાયમ મળો જેનાં દિલ નહીં દિલગીર...જગમાં”
આથી ધ્યેય નક્કી કરતી વખતે વ્યક્તિએ એક સ્પષ્ટ દર્શન કેળવવું પડશે. વળી ધ્યેય નક્કી કરવાનો એક લાભ એ છે કે એનાથી વ્યક્તિ પોતાની જાતનું નિરીક્ષણ અને આત્મવિસ્તાર સાધી શકે છે. એને એની ક્ષતિઓ સમજાય છે અને પોતાની ક્ષતિઓ દૂર કરતો જાય છે અને ધ્યેય તરફ આગળ ધપતો જાય છે. આથી ધ્યેય એ એના વ્યક્તિત્વના વિકાસનું એક કારણ બને છે.
પોતાની ત્રુટિઓ અને ભૂલોને મહાત્મા ગાંધીજી કઈ રીતે જુએ છે તે રસપ્રદ બાબત છે. તેઓ પોતાની સફળતા અને શક્તિની માફક જ આ ભૂલોને પણ ઈશ્વરની દેન સમજે છે, આથી જ ઈશ્વરે પોતાના જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગ માટે પસંદ કર્યા તેમ કહે છે. મહાત્મા ગાંધીજી પોતાની અપૂર્ણતાઓ સતત જોતા રહે છે અને એ રીતે પૂર્ણતા તરફ ગતિ કરે છે. ધ્યેય પ્રત્યેનું પ્રમાણ વ્યક્તિને એક એવી કર્તવ્યનિષ્ઠા બક્ષે છે કે જેને કારણે એના જીવનમાં ઘણી ક્ષુદ્ર અને ધૂળ બાબતો પ્રવેશતી જ નથી અને કેટલાય દંભ અને આડંબર એકસો ગાઉ છેટા રહે છે.