________________
૨૩
શ્રદ્ધાના સૂર
પરમાત્મા તમારી પાસે સૌપ્રથમ કઈ માગણી કરે છે ? એ તમારી પાસે એમની સ્તુતિ કે પ્રશંસાની માગણી કરે છે ? એ તમને કહે છે કે તમે અન્નજળનો ત્યાગ કરી મારી સમીપ આવવા માટે આકરી તપશ્ચર્યા કરો ? કે પછી ભક્તની પૂજા ઇચ્છતો એ ભક્તની ભક્તિ માટે અતિ આતુર હોય છે ?
હકીકતમાં પરમની સૌથી પહેલી માગણી શ્રદ્ધાની છે. શ્રદ્ધા એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ, અતિ મહત્ત્વનું અને અત્યંત મુશ્કેલ સોપાન છે. શ્રદ્ધા હશે તો જ પૂજા એ સાચી ઈશ્વર-પૂજા બનશે અને ધર્મક્રિયા એ સાચી ધર્મપૂત ક્રિયા બનશે. શ્રદ્ધા હશે તો જ સાધક વ્યાવહારિક મુશ્કેલીઓને પાર કરી શકશે, જેમ સંસાર સર્જિત અવરોધોની સઘળી દીવાલ મીરાં પાર કરી ગઈ. વળી શ્રદ્ધાવાન આર્થિક મૂંઝવણોથી પણ ડઘાઈ જશે નહીં. એ તો નરસિંહ મહેતાની જેમ આવી ચિંતાનો ભાર ‘શામળિયાને સોંપશે. અધ્યાત્મના માર્ગે ચાલતાં કેટલીય દ્વિધાઓ, સંઘર્ષો અને કસોટીઓ આવે છે. આ બધા વખતે કોણ સાધકને ટકાવી રાખે છે ? શ્રદ્ધામાંથી પ્રાપ્ત થયેલું બળ એને દઢ, સંકલ્પબદ્ધ અને અવિચળ રાખે છે.
શ્રદ્ધાના આ સ્વરૂપને સમજીએ. ક્યારેક વ્યક્તિની શ્રદ્ધા માત્ર બાહ્ય કારણો પર આધારિત હોય છે. શેરબજારમાં નુકસાનીમાંથી બચાવી લેનારને કોઈ ગુરુ માને છે તો કોઈ પોતે કરેલા ગુનામાંથી મુક્તિ અપાવનારને ગુરુપદે બેસાડે છે. કોઈ વર્ષોની બીમારી દૂર કરી આપનાર વ્યક્તિને ગુરુ ગણે છે તો કોઈ જીવનની કપરી પળોમાંથી ઉગારી લેવા માટે ગુરુના સદૈવ આશીર્વાદ માગતો રહે છે.
ગુરુ માટેની શ્રદ્ધાનો પ્રારંભ કદાચ કોઈ પ્રયોજનથી થયો હોય, પરંતુ સમય જતાં એ પ્રયોજન ખરી જવું જોઈએ અને સાચી શ્રદ્ધા જાગવી જોઈએ. ચમત્કાર કરતા ગુરુ પ્રત્યેની આસ્થા જો પ્રયોજનમાંથી જાગેલી હોય છે,
પરમનો સ્પર્શ ૧૧૯