________________
ધૂળ નાખીને લઈ જઈએ છીએ. બાકી હું જીવો પગી. એની એમને ખબર નથી. ચીરીને મરચાં ન ભરું તો મારું નામ જીવો પગી નહીં. અલ્યા. હજી સમજો ને, ઊભી પૂંછડીએ ભાગવા માંડો, હું જીવો પગી, હીં.”
“હવે ભલે તું જીવો પગી રહ્યો, પહેલાં માલ કાઢી નાખ નં.”
જીવો પગી કહે, “કાઢો માલ, શેઠ. ભલે બાપડા જોઈ લે અને આંખો ઠારે ! બાકી હાથ અડાડે એમાં માલ શો ?o
માલ કાઢ્યો. બહાર ઢગલો થયો. બહારવટિયા તો કીમતી માલ ભેગો
કરીને પોટલું બાંધવા લાગ્યા. આ જોઈને હીરા શેઠે કહ્યું, “પગી ! આ તો માલ બાંધે છે.”
“તે ભલેને બાંધે; આપણે બાંધવો ટો, બાકી એ લઈને અહીંથી એક ડગલું આગળ ભરી શકે એ વાતમાં માલ શો ? હું જીવો પગી. એક-એકના અઢાર-અઢાર કટકા થવાના છે. એકે ઓછો નહીં, ઘણા ભેટ્યા હશે, પણ જો પગી ભેટ્યો નહીં હોય !”
બહારવટિયા પોટલું બાંધીને ઘોડે ચડવા માંડ્યા. શેઠ કહે, “પગી, આ તો માલ લઈને ઘોડે ચઢવા માંડ્યા !”
“તે ભલેને ચડે, ભલેને બાપડા બે ઘડી મો માણે, બાકી એનું ઘોડું એક ડગલુંય આગળ વધે તો એના ચારેચાર ટાંટિયા જુદા સમજો. બાપડા પછી જીવા પગીના પગ ચાટશે. અલ્યા, ટૂંકમાં સમજો. હું જીવો પગી.”
બહારવટિયાઓએ ઘોડા હાંકી મૂક્યા.
શેઠ કહે, “પગી, ઘોડા તો ગયા.’’
પગી કહે, “હા શેઠ. માળા ભારે બહાદુર, હોં. જરાય ડર્યા કે રોકાયા જ નહીં ને ! બાકી હીરા શેઠ ! આપણો સંબંધ આજકાલનો નથી. સાચું કહેજો મેં એમને બિવડાવવામાં કંઈ બાકી રાખી છે ! પણ છાતીવાળા ખરા હોં. જરાય ડર્યા જ નહીં ને !”
મોતીની માળા © ૨૪