________________
કાર અકસ્માત અને પછી હૉસ્પિટલમાં પણ તારું અડધું અંગ ખોટું પડી ગયું છે અને તેથી તને કશી સંવેદના થતી નથી.’
એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં ફંગોળાયા પછી આખરે કરાંચીની એક હોસ્પિટલમાં અને સારવાર આપવામાં આવી. એના એક સ્વજને અકસ્માતની વીતકકથા પૂછી, તો આ દૃઢ મનોબળ ધરાવતી નિર્ભય મહિલાએ સહજતાથી કહ્યું, ‘એ સમયે મારા હાથ-ખભાનું હાડકું તૂટી ગયું હોય એમ મને લાગતું હતું. અડધું શરીર સાવ ખોટું પડી ગયું હતું. બંને પગ લકવાગ્રસ્ત બની ગયા હતા.'
મુનિબાને અત્યંત શારીરિક દર્દ તેમજ અપાર માનસિક પીડા થતી હતી, પરંતુ મન મક્કમ રાખીને આંખમાં આંસુ આવવા દીધાં નહીં. એ વેળાએ તો એને જીવવાની કશી આશા નહોતી. એના પર ત્રણ ગંભીર ઑપરેશન થયાં અને બીજાં બે નાનાં ઑપરેશન થયાં, પણ મુનિબાની મક્કમતા સહેજે ચળી નહીં. આનું કારણ શું ?
પોતાની એ સમયની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં મુનિબાએ કહ્યું, ‘જ્યારે તમે એટલું જાણતા હો કે તમે કંઈક ગુમાવી બેઠા છો તો તમે રડી શકતા નથી.’
એની પાસે હિંમત હતી, દઢતા હતી. એ જાણતી હતી કે એ ક્યારેય પુનઃ અગાઉ જેવી સ્વસ્થ થશે નહીં. એનાં દર્દો વિશેનાં ડૉક્ટરોનાં પરામર્શ સાંભળતી હતી. એની નજર સામે જ એના બધા એક્સ-રે પડ્યા હતા. મનમાં એવો પાકો ખ્યાલ પણ હતો કે કરોડરજ્જુના ત્રણ મણકા તૂટી ગયા છે અને હવે એ ક્યારેય જાતે ચાલી શકશે નહીં. વળી એને મળતી સારવારમાં પણ ક્ષતિઓ હતી. મૅડિકલ સારવાર
82 • માટીએ ઘચાં માનવી
ગુણવત્તાયુક્ત નહીં હોવાથી એના પગમાં સોજા આવી ગયા. બે વર્ષ સુધી એ પથારીમાં પડી રહી. એ એના પગને થપથપાવતી હતી, પરંતુ એમાંથી સંવેદનાનો કોઈ અણસાર આવતો નહોતો. પથારીમાંથી એ જાતે ઊભી થઈ શકે તેમ પણ નહોતી. એને હીલચૅરની જરૂર હતી, કારણ એટલું જ કે એ કોઈનાય પર નિર્ભર રહેવાને બદલે પોતાની જિંદગી પોતાના મિજાજથી જીવવા ચાહતી હતી.
એ પહેલી વાર હીલચૅરમાં બેઠી, ત્યારે એટલી બધી ખુશખુશાલ થઈ ગઈ કે મેં મારા બે પગ ગુમાવ્યા, તેથી શું થયું ? આ હીલચેરનાં બે પૈડાંથી બધે હરીફરી શકીશ. આસપાસ નૅગેટિવ વાતાવરણ અને વિચારોથી ઘેરાયેલી હતી, પણ મુનિબાને થયું કે હવે એની પાસે ગુમાવવા જેવું કશું બચ્યું જ નહોતું, ત્યારે ફિકર શેની ? દુનિયા સમક્ષ એ પુરવાર કરવાની એને તક હતી કે વિકલાંગ વ્યક્તિ પણ પોતાની મોજ થી અને ખુશીથી ધાર્યું જીવી શકે છે અને જિંદગી સાર્થક રીતે જીવ્યાનો સંતોષ પામી શકે છે.
મુનિબા જાણતી હતી કે દરેક વ્યક્તિ પોતાની ભીતર એક કુરુક્ષેત્ર ખેલતી હોય છે. કેટલાંકનું કુરુક્ષેત્ર હૃદયમાં ભીતર ચાલતું હોય છે, જ્યારે કેટલાંકનું જીવનના સંજોગો સામેનું યુદ્ધ નજરોનજર જોઈ શકાય છે. મુનિબાને એ વાતનો આનંદ હતો કે એનું યુદ્ધ સહુ કોઈ જોઈ શકતા હતા અને તેથી ચહેરા પર સ્મિત લાવીને સદાય આ યુદ્ધ લડ્યા કરવું, એ એનો મકસદ હતો.
હૉસ્પિટલનાં બે વર્ષ યાતનાગ્રસ્ત અંધારી રાત જેવાં ગયાં. એ સમયે એ બ્રશ કરી શકતી નહોતી. એના વાળ ઓળી શકતી નહોતી. એક વાર તો એને એની જાત પર એવો ગુસ્સો આવ્યો કે કાતર લઈને એણે એના વાળ કાપી નાખ્યા. ચોતરફ વિષાદ અને નિરાશાનું વાતાવરણ હતું. એને મળવા આવનારાંઓ પ્રત્યે મુનિબાને કોણ જાણે કેમ ઈર્ષ્યાની લાગણી થવા લાગી. એ એવું માનવા લાગી કે આ બધાં એના ખબરઅંતર પૂછવાને બહાને એની હાલત જોઈને મનમાં ખુશ થતાં હશે. એ વિચારતાં હશે કે આ મુનિબા ચાલી શકતી નથી અને પોતે કેવાં ચાલી શકે છે !
આવા કપરા દિવસોમાં મુનિબાની માતા અને હિંમત આપતી હતી. એ કહેતી,
આકાશ મારી મુઠ્ઠીમાં ... 83