________________
7
ચંદગી રામ
ભારતસરી
હરિયાણાના હિસાર જિલ્લાના સિસાય ગામને પાદર આવેલા ખેતરમાં એક છોકરો બેઠો છે. એનું નામ છે ચંદગી રામ. બાજુમાં લાકડી અને હાથમાં ગોફણ છે. એ ગોફણ વીંઝીને પક્ષીઓને ઉડાડે છે અને ખેતરમાં ઢોર ઘૂસી ન જાય તે માટે રખેવાળી કરે છે. એવામાં એની નજર પોતાના ખેતરની વાડ પાસે જાય છે.
દોડીને ચંદગી રામ ખેતરની વાડ પાસે જાય છે. જુએ છે તો બે પાડા સામસામા લડી રહ્યા હતા. છોકરાને તો ભારે મજા પડી. એને થયું, વાહ, કેવી બરાબરની કુસ્તી જામી છે ! આમાં એક પાડો ખૂબ જાડો, તંદુરસ્ત અને અલમસ્ત હતો તો બીજો સાવ પાતળો હતો. શરૂઆતમાં તો સ્થૂળકાય પાડો ખૂબ જોરથી પાતળા પાડા પર તૂટી પડ્યો. એમ થયું કે હમણાં આ પાતળા પાડાના રામ રમી જશે,
પણ પાતળો પાડો એમ પાછો પડે તેમ ન હતો. એ ચપળતાથી કૂદીને જાડા પાડાના ઘા ચૂકવવા માંડ્યો. પેલા અલમસ્ત પાડાની મહેનત નકામી જતી. એ ધૂંધવાઈને ખૂબ જોરથી માથું ઝીંકો ત્યારે પાતળો પાડો સહેજ બાજુએ ખસીને એનો ઘા ચૂકવી દેતો. પછી તરત જ પેલા જાડા પાડાની ગરદન પર પોતાનું માથું વીંઝતો.
થોડી વારમાં તો અલમસ્ત પાડો હાંફી ગયો. પાતળા પાડાએ સપાટ બોલાવવા માંડ્યો અને એની ગરદન પર
કુસ્તી કરતા ચંદગી રામ
માથું ઝીકીને જાડા પાડાને હરાવી દીધો.
જાડો પાડો હારતાં ચંદગી રામ તો ખુશ થઈને તાલી પાડવા લાગ્યો. આનંદથી નાચવા લાગ્યો. દોડીને પાતળા પાડાને થાબડવા લાગ્યો.
એકાએક એ વિચારમાં પડી ગયો. એને થયું કે ભલે મારું શરીર પાતળું હોય, પણ એથી મૂંઝાવાની કશી જરૂર નથી. પેલા જાડા તગડા પાડાને પેલા મજબૂત અને સ્ફૂર્તિવાળા પાડાએ કેવો હરાવી દીધો. શરીર જાડું હોય તેથી કંઈ ન વળે, ખરી જરૂર તો ચપળ, મજબૂત અને સ્ફૂર્તિવાન દેહની છે.
દૂબળા-પાતળા ચંદગી રામને જોરાવર થવાનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. કોઈ વાર રાતે એવું સ્વપ્નુંય જુએ કે પોતાનાથી ઘણી મોટી કાયાવાળા પહેલવાનોને એ જમીન પર ચીત કરી રહ્યો છે.
ચંદગી રામના પિતા માંડૂરામની તો એવી ઇચ્છા હતી કે છોકરાને ભણાવી-ગણાવીને સારી નોકરી અપાવવી. શાંતિની નોકરી મળે ને જીવન સુખે પસાર થાય. આ ચંદગી રામ અખાડામાં જઈને કુસ્તીના દાવ ખેલે એવી તો સહેજે ઇચ્છા નહીં. આથી એને અખાડાને બદલે અભ્યાસમાં જ ડૂબેલો રાખવા લાગ્યા. એવામાં એક કરુણ બનાવ બન્યો. ચંદગીના મોટા ભાઈ ટેકરામનું ચોવીસ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું. માંડૂરામ પર તો જાણે આભ તૂટી પડ્યું. હવે ચંદગી રામ પર જ ઘરનો સઘળો આધાર હતો. એના શરીરનો ભારતકેસરી • 63